સાબરકાંઠા : રાજ્યભરમાં રખડતાં પશુઓનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે. તેમાં શ્વાન દ્વારા કરડવાના કિસ્સા અવારનવાર બનતા હોય છે. ત્યારે હવે સાબરકાંઠામાં છેલ્લા ત્રણ દિવસથી લોકોને ઘર છોડી બહાર આવે તો જીવ જોખમાય તેવો કિસ્સો સામે આવ્યો છે. સાબરકાંઠાના આ ગામના પરિવારોને લઠ કે લાકડી સાથે ઘરની બહાર આવવું પડી રહ્યું છે.
કપિરાજનો આતંક : આ અજીબો ગજબ કિસ્સો સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના ગાંભોઈ પાસે આવેલા ચાંપલાનાર ગામનો છે. જ્યાં ગામના લોકો ત્રણ દિવસથી ડરના માહોલ વચ્ચે જીવી રહ્યા છે. કારણ કે, આ ગામમાં 10 લોકોને આતંકી વાનરે બચકા ભરી ગંભીર રીતે ઘાયલ કર્યા છે. છેલ્લા ત્રણ દિવસથી હિંમતનગર તાલુકાના ચાંપલાનાર ગામના લોકો ઘરની બહાર નીકળતા ગભરાઈ રહ્યા છે. ગામમાં એક વિફરેલા કપિરાજે એટલો આતંક મચાવ્યો છે કે 10 થી વધુ લોકોને હોસ્પિટલમાં ખસેડવા પડ્યા છે.
ચાંપલાનાર ગામનો કિસ્સો : હિંમતનગર તાલુકાના ચાંપલાનાર ગામમાં કપિરાજે કાળો કેર વર્તાવ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી વિફરેલા કપીરાજે લોકોને ઝપટમાં લેવાનું શરૂ કર્યું છે. જેમાં ચારથી પાંચ મહિલાઓ અને ચાર-પાંચ પુરુષો પણ આ આતંકી કપિરાજના હુમલાના ભોગ બન્યા છે. ગામના એક મહિલાના પગે વાનરે બચકું ભરતા મહિલાને 13 ટાંકા લેવા પડ્યા છે. જેને લઈને હવે ગામ લોકો ઘરની બહાર નીકળતા પણ ગભરાઈ રહ્યા છે.
વાનરે વનવિભાગને હંફાવ્યું : તો બીજી તરફ વાત કરીએ તો ત્રણ દિવસથી કપિરાજના ત્રાસ અંગે સમાચાર મળતા ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓએ ગામમાં ધામા નાખ્યા છે. તેઓએ આતંકી કપિરાજને પકડવાના પૂરતા પ્રયાસો આદરી દીધા છે. જોકે આ કપિરાજ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને પણ હંફાવી રહ્યો છે અને ગામમાં ઠેર-ઠેર દોડતા કરી દીધા છે.
10 લોકો પર હુમલો : ચાંપલાનાર ગામમાં હાલમાં બાળકોને શાળા મુકવા જવા માટે વાલીઓ દંડા લઈને સ્કૂલ તરફ જઈ રહ્યા છે. ત્યારે કોઈપણ સંજોગે હવે આ વાનર પાંજરે પુરાય તો જ લોકોનો ડર ઓછો થાય એમ છે. વન વિભાગ આ બાબતે સતર્ક થઈને આતંકી કપિરાજને પાંજરે પૂરે તેવી માંગ ઉઠી છે. હાલમાં સમગ્ર ગામ ડરના માહોલમાં દિવસો પસાર કરી રહ્યા છે.