સાબરકાંઠા: એક તરફ કોરોના મહામારી ચાલી રહી છે, તો બીજી તરફ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની જીવાદોરી ગણાતી સાબર ડેરી તરફથી પશુપાલકોને ભેટ આપવામાં આવી છે. જેમાં તાજેતરમાં યોજાયેલી સામાન્ય સભા દરમિયાન પશુ દાણ તેમજ ખાણ દાણમાં પ્રતિ એક બેગમાં રૂપિયા 50નો ઘટાડો કરવામાં આવ્યો છે. જે કારણે જિલ્લાના પશુપાલકોમાં ખુશી વ્યાપી છે.
સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીને પગલે બેરોજગારી તેમજ આર્થિક રીતે કોરોના સંક્રમણનો માહોલ જામ્યો છે. ત્યારે પશુપાલનના વ્યવસાયમાં તેજી બરકરાર છે. જો કે, છેલ્લા કેટલાક સમયથી પશુ દાણના કાચા માલ સામાનના ભાવોમાં ઘટાડો થતા, આગામી 1લી સપ્ટેમ્બરથી સાબર દાણ તેમજ મકાઈ ભરડામાં પ્રતિ બેગે રૂપિયા 50નો ઘટાડો કરવામાં આવ્યો છે.
હાલમાં મોંઘવારી વધી રહી છે, તેવા સમયે પશુપાલકો માટે લેવાયેલો નિર્ણય અરવલ્લી તેમજ સાબરકાંઠા જિલ્લાના 3.5 લાખથી વધારે પશુપાલકો માટે ફાયદારૂપ સાબિત થશે. આ સાથે હાલમાં દૂધની આવકમાં પણ વ્યાપક વધારો થયો છે. ત્યારે સાબર દાણ તેમજ મકાઈ ભરડામાં કરાયેલો ઘટાડાથી પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા લોકોને ફાયદારૂપ સાબિત થશે.