સાબરકાંઠા : પોશીના તાલુકાના અજાવાસ ગામે એક સાથે ત્રણ હત્યા થતા સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ સર્જાયો છે. જેના પગલે સ્થાનિક પોલીસથી લઇ જિલ્લા પોલીસ વડા સુધીનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તેમજ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. સામાન્ય બાબતે થયેલી વાતચીતમાં ઉશ્કેરાટના પગલે એક સાથે ત્રણ હત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર સર્જાઈ છે.
શું છે સમગ્ર મામલો : પોશીના તાલુકાના અજાવાસ ગામે કૌટુંબિક સંબંધમાં સામાન્ય ઉશ્કેરાટમાં પોતાના પરિવારને કેવા પરિણામો ભોગવવા પડેતેનું ભયાવહ સ્વરૂપ જોવા મળ્યું છે. પોશીના તાલુકાના અજાવાસ ગામે 8 સભ્ય ધરાવતા ગમાર લલ્લુભાઈ લાડુભાઇના પરિવાર પર સામાન્ય બાબતમાં એક સાથે પોતાના પુત્ર સહિત ત્રણ વ્યક્તિઓની હત્યા થઈ છે. જેમાં પોતાના પાંચ વર્ષના પુત્ર સહિત પિતાને ખોવાનો વારો આવ્યો છે.
હત્યા કરનારનું પણ મૃત્યુ : અડધી રાત્રે સામાન્ય બાબતે ઉશ્કેરાઈ અચાનક કુહાડીના ઘા ઝીંકી દેવાયા હતા. બાદમાં હત્યા કરનારને સ્થાનિક લોકો સાથે થયેલા હંગામા દરમિયાન તેનું પણ મૃત્યુ થયાનું ખુલ્યું છે. જોકે સ્થાનિક પરિવારજનનું માનીએ તો અડધી રાત્રે પોતાના ઘરે જઈ પરત આવેલા રમીયા બુંબડિયાએ અચાનક જ હુમલો કરી પાંચ વર્ષના પુત્ર સહિત તેના પિતાની હત્યા કરી નાસી ગયા હતા. મકાનમાંથી નાસી જતા અગાસી પરથી નીચે પડતા તેનું પણ મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો : Umesh Pal Murder Case : ઉમેશ પાલ હત્યા કેસમાં વધુ ત્રણ કારના સીસીટીવી સામે આવતા અનેક તર્ક-વિતર્ક
પોલીસ તપાસમાં જાણવા મળ્યું : સામાન્ય બાબતમાં એક સાથે ત્રણ લોકોની હત્યા થતા સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તેમજ આ મામલે ગુનો નોંધી તમામ મૃતદેહોને સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. સાથોસાથ પોલીસે મેળવેલી પ્રાથમિક વિગતોમાં એવું જણાવ્યું હતું કે, રમીયા બુબડીયા સામાન્ય બાબતમાં ઉશ્કેરાટમાં આવી ખુલ્લામાં પડેલી કુહાડીના ઘા ઝીંકી દેતા ગમાર લલ્લુભાઈનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. તેમજ તેમના પાંચ વર્ષનો પુત્ર કલ્પેશ ગમાર ઘરની બહાર દોડવા જતા તેને પણ કુહાડીનો ઘા મારી દેતા તેનું મૃત્યુ થયું છે. સાથોસાથ સ્થાનિક હંગામા બાદ રમિયા બુબડીયાનું પણ મૃત્યુ થતા એક જ ઘરમાં એક સાથે ત્રણ મૃતદેહો પડ્યા હતા.
આ પણ વાંચો : Vadodara Crime: હોળીના પર્વ પર હત્યા કરનારા ઝડપાયા, આ રીતે ઉકેલાયો ભેદ
કાળજુ કંપાવી નાખે તેવું ઉદાહરણ : જોકે પોશીના વિસ્તારમાં એક સાથે ત્રણ હત્યાના પગલે જિલ્લામાં ખળભળાટ સર્જાયો છે, ત્યારે સામાજિક સંબંધોમાં આવેલા આગંતુકો ક્યારેક ક્યારેક સામાન્ય બાબતથી સમગ્ર પરિવાર માટે જોખમ રૂપ બની શકે છે. તેનું આજનો બનાવ કાળજુ કંપાવી નાખે તેવું ઉદાહરણ સ્વરૂપ બની રહ્યો છે.