સાબરકાંઠા : સમગ્ર વિશ્વમાં આદિવાસી સમાજની સંસ્કૃતિ નોખી તેમજ અનોખી છે. જે અંતર્ગત સાબરકાંઠાના પોશીના તાલુકાના નારા ગામે 70 વર્ષીય વૃદ્ધના અનોખા લગ્ન યોજાયા હતાં. આ લગ્નમાં દાદાદાદીની ચોથી પેઢીએ પુત્ર અને પૌત્રો દ્વારા ખૂબ ધામધૂમ કરવામાં આવી હતી. લાંબોપહોળો પરિવાર તો ખરો જ સાથે આ લગ્નમાં સમગ્ર આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો અનોખા લગ્ન મહાલવા ઉપસ્થિત રહ્યા હતાં.
નારા ગામમાં યોજાયાં અનોખા લગ્ન : લગ્ન એ પવિત્ર ગઠબંધન કહેવાય છે. ત્યારે અમુક સમાજમાં વૃદ્ધાવસ્થામાં ફરી લગ્ન પણ યોજાતાં હોય છે. સાબરકાંઠના અંતરિયાળ વિસ્તારમાં પોશીનામાં આ લગ્ન યોજાયાં હતાં.અહીં રાજસ્થાન સરહદની પાસે આવેલા આદિવાસી ગામો છે. જે પોશીના તાલુકાના લાંબડીયા પાસે આવેલ નારા ગામમાં 90 વર્ષીય વૃદ્ધના તેમની પત્ની સાથે જ ફરીવાર લગ્ન યોજાયા હતાં. આ અનોખો લગ્નોત્સવ પરિવારે ધામધૂમથી ઉજવ્યો જેમાં તેમના દીકરા દીકરીના સાથોસાથ ત્રીજી પેઢીના સભ્યોએ પણ લગ્નમાં વિશેષ ભાગ લીધો હતો. આ લગ્નમાં આજુબાજુના વિસ્તારના લોકો પણ ઉત્સાહભેર હાજરી આપી લગ્નના પ્રસંગો માણ્યાં હતાં.
આદિવાસી પરંપરા : સાબરકાંઠા બનાસકાંઠા તેમજ અરવલ્લી વિસ્તારમાં રહેતા વનવાસી લોકોના રીત રિવાજો કંઈક અલગ હોય છે. ત્યારે આ વિસ્તારમાં આજે પણ પેઢી દર પેઢી એ વિશેષ લગ્ન ઉત્સવ મનાવતો હોય છે. ત્યારે સાબરકાંઠાના પોશીના તાલુકાના નારા ગામે ચોથી પેઢીમાં પુત્ર અને પૌત્રો દ્વારા પોતાના દાદા દાદીના અનોખા લગ્ન કરાવ્યાં હતાં.
પુત્ર અને પૌત્રે પીઠી લગાવી : 90 વર્ષની ઉંમર ધરાવતા દાદાદાદીના લગ્નમાં પુત્ર અને પૌત્રે પીઠી લગાવી ધામધૂમથી લગ્નપ્રસંગની શરુઆત કરાવી હતી. ડુંગરી ભીલ આદિવાસી સંસ્કૃતિમાં લગ્ન એ પવિત્ર બંધન માનવામાં આવે છે. જેના પગલે સો વર્ષે પણ લગ્નના ફેરા ફરવા જ પડે છે. ત્યારે આદિવાસી સંસ્કૃતિની પરંપરા મુજબ પોશીના તાલુકાના નારા ગામના 90 વર્ષના કેશરાભાઈ નાથાભાઈ ગમારે તેમના પત્ની કે ખેડબ્રહ્મા તાલુકાના ટેબડી ગામના 82 વર્ષીય મગુબેન હોમાંભાઈ મકવાણા સાથે ધૂમધામથી ફરી લગ્ન કરાવાયા છે. આ પ્રસંગે સ્થાનિક વિસ્તારમાંથી મોટાભાગના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ધામધૂમપૂર્વક યોજાયેલા આ લગ્નમાં પુત્ર અને પૌત્રો લગ્ન ગીત તેમજ ગરબા ગાતા પણ જોવા મળ્યા હતાં. જોકે 90 વર્ષે લગ્ન થતું હોવાના પગલે સ્થાનિક વિસ્તારમાંથી કેટલાક લોકો કુતુહલતાપૂર્વક પણ હાજર રહ્યા હતાં. આજે પણ આ વિસ્તારમાં સંસ્કૃતિ અનોખી રીતે ટકી રહી છે તેમ કહેવું યથાર્થ બની રહે છે.