સાબરકાંઠા : હિંમતનગર તાલુકાના બળવંતપુરા કંપાના એક દંપતીએ દિવ્યાંગો માટે અનોખો સેવાયજ્ઞ ચાલુ કર્યો છે. આ દંપતિ દિવ્યાંગ પરતું અન્ય દિવ્યાંગો માટે રોજગારી આપવાનો અનોખો પ્રયાસ કર્યો છે. આ દિવ્યાંગ દંપતિએ દિવ્યાંગ ગૃહ ઉદ્યોગની સ્થાપના કરી છે. જેમાં સાબુ, પાવડર, વોશિંગ મશીન પાવડર, લિક્વિડ, ડિશવોશ, ટાઈલ્સ ક્લીનર, ફ્લોરિંગ ક્લીનર જેવી અનેક વસ્તુઓ બનાવે છે. આ વસ્તુઓને વેચાણ માટે દિવ્યાંગોને જ પસંદ કર્યા છે. જેમાં 150 જેટલા દિવ્યાંગો માલસમાન વેચીને રોજગારી મેળવી રહ્યા છે.
શારીરિક અશક્ત છે પણ માનસીક નહીં : જગદીશ પટેલ જણાવે છે કે, પોતે દિવ્યાંગ છે પણ બિચારા બાપડા નથી શારીરિક અક્ષમતા કરતા માનસિક કમજોરી વ્યક્તિને વધુ પાંગળો બનાવે છે. અમે શારીરિક અશક્ત જરૂર છીએ પરંતુ માનસિક નહીં. હું અને મારી પત્ની પહેલા બહારથી હોલસેલમાં સાબુ ખરીદતા અને વેચતા જેમાં અમને ઓછો નફો મળતો. જેથી પોતે કંઈ કરવા માટે વિચાર્યું અને પરીવારની મદદથી ગુરુ શક્તિ ડિટર્જન્ટ દિવ્યાંગ ગૃહ ઉદ્યોગની સ્થાપના કરી. સાબુ બનાવવાનું યુનિટ બનાવી અમે સાબુ સહિત 12 વસ્તુઓનું પ્રોડક્શન કરી વેચાણ કરી રહ્યા છીએ. આ કામમાં 7 જેટલા અન્ય લોકોને રોજગારી મળી રહી છે.
વેચાણ માત્ર દિવ્યાંગોને જ : વધુમાં તેમણે ઉમેર્યું કે, મારો અને મારી પત્નીનો મુખ્ય ઉદ્દેશ દિવ્યાંગોને પગભર કરવાના હોય અમે આ વસ્તુઓના વેચાણ માટે દિવ્યાંગોને જ પસંદ કર્યા છે. હાલમાં તેઓ 150 જેટલા દિવ્યાંગોને પોતાનો માલ હોલસેલ વેચે છે. જેથી તેઓ આગળ આ માલનું વેચાણ કરી નફો મેળવી રોજગારી કમાઈ શકે. આ સાથે તેઓ 20 જેટલી વિધવા બહેનોને પણ વેચાણ માટે પોતાનો માલ આપે છે. તેમની બનાવેલી વસ્તુઓ જેવી કે સાબુ, પાવડર, વોશિંગ મશીન પાવડર, લિક્વિડ, ડિશવોશ, ટાઈલ્સ ક્લીનર, ફ્લોરિંગ ક્લીનર બનાવે છે. તેઓ દિવ્યાંગજન થકી જ તેમના માલનું વેચાણ કરે છે. દિવ્યાંગ ભાઈ-બહેનને ઘરે જ ઇકોવાન થકી માલસામાન પહોંચાડી વેચાણમાં મદદ કરે છે.
દિવ્યાંગોને રોજગારી : જગદીશ પટેલના પત્ની ચેતના પટેલને જણાવે છે કે, તેમનો ટાર્ગેટ 1,000 જેટલા દિવ્યાંગોને રોજગારી આપવાનો છે. જેના થકી દિવ્યાંગ ઇકોવાન ચલાવી માલ સામાન વેચી અને રોજગારી મેળવી શકે. આ ઉપરાંત ઉત્પાદિત સામાનનું વેચાણ કરતા દિવ્યાંગ ઈશ્વર રાવળ જણાવે છે કે, એક અકસ્માતમાં પોતાનો એક હાથ ગુમાવ્યા પછી પોતે પરિવાર પર બોજ હોવાનું માનતા અને મરવાના વિચાર કરતાં. પરંતુ તેવામાં જગદીશ પટેલ સાથે પરિચય થયો અને તેમના નવા જીવનની શરૂઆત થઈ. જગદીશ પટેલે એક ઇકો આપી છે. જેથી ગામડે ગામડે જઈ દિવ્યાંગ સાબુ સહિત 12 જેટલી વસ્તુઓનું વેચાણ કરી આજે મહિને રોજગારી મેળવે છે.
આ પણ વાંચો : Pariksha Pe Charcha 2023: વિદ્યાર્થીએ બનાવ્યું એકલવ્ય ઉપકરણ, દિવ્યાંગ લેપટોપ ઓપરેટ કરી શકશે
આ દંપતિનો પરિચય : આ દંપતિને બે સંતાનો છે એક દીકરી અને એક દીકરો બંને સંપૂર્ણ સ્વસ્થ છે. જેથી તેઓ પણ તેમના કામમાં મદદરૂપ બને છે. ક્યારેક ગાડીમાં સામાન ચઢાવવા માટે કોઈની મદદની જરૂર હોય ત્યારે તેમના સંતાનો અને પરિવાર તેમની મદદે આવે છે. તેમને ક્યારેય દિવ્યાંગ હોવાનો અનુભવ થવા દેતા નથી. તેમના પરિવારની મદદ થકી દિવ્યાંગતા ભુલાવી ચૂક્યા છે, પરંતુ જેમને જરૂર છે તેમની તેઓ મદદ કરી પગભર કરવા માંગે છે. સમાજમાં દિવ્યાંગતાની દિવ્યતા પ્રસરાવવા પોતાનાથી બનતા પ્રયત્નો થકી ફુલ નહીં તો ફૂલની પાંખડી તેઓ અર્પણ કરી રહ્યા છે.