સાબરકાંઠાઃ જિલ્લામાં કોરોના વાઇરસનું સંક્રમણ ના ફેલાય તે માટે તંત્ર સતત કાર્યરત છે. જિલ્લામાં લોકડાઉનનુ પાલન કરાવવા પોલીસ જવાનો ચોવીસ કલાક ફરજ બજાવી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લો ઓરેંજ ઝોનમાં હોવાથી આવનાર સમયમાં ઘીમે-ઘીમે લોકડાઉનના નીયમો હળવા થાય એવી સંભાવના હોવાથી ભવિષ્યનો વિચાર કરી પોલીસ વિભાગ દ્રારા નગરપાલિકા વિસ્તારમાં આવેલી આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો અને બેંક ATMની આગળ સર્કલ બનાવ્યા છે.
સાબરકાંઠા વહિવટી તંત્ર અને પોલીસના જવાનો ખડે પગે રહીને કોરોના મહામારીથી આમ જનતાને બચાવવા પ્રયત્ન કરી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના ત્રણ કેસ આવ્યા હતા. જે હવે નેગેટિવ બનતા હાલ કોરોનાનો કોઇ સક્રિય કેસના હોવાથી તેમજ સાબરકાંઠા ઓરેન્જ ઝોનમાં હોવાથી આવનાર સમયમાં જિલ્લામાં લોકડાઉનના નિયમોમાં હળવાશ મળી શકે તેમ છે.
આ સમયમાં નાગરીકો દ્રારા સોશીયલ ડિસ્ટસીંગનુ પાલન થાય અને જિલ્લામાં કોરોનાનુ સંક્રમણ અટકે તે માટે આ અગમચેતીના ભાગરૂપે આવશ્યક ચીજવસ્તુઓ તેમજ બેંકો અને ATM આગળ લોકોનો ધસારો વધુ હોવાની સંભાવનાને પગલે તમામ દુકાનોની આગળ સોશિયલ ડિસ્ટન્સીંગથી લોકો ઉભા રહી ખરીદી કરે તે માટે સર્કલ કરવામાં આવ્યા છે
જો કે, આવો પ્રયાસ જિલ્લાના તમામ મોટા શહેરોમાં હાથ ધરાય તો કોરોના વાઇરસનું સંક્રમણ અટકાવવા મહત્વનું પગલું સાબિત થઈ શકે તેમ છે. કોરોના વાઇરસને અટકાવવા સામાજિક અંતર મહત્વનું છે, ત્યારે જિલ્લા પોલીસ દ્વારા હાથ ધરાયેલા પ્રયાસ આગામી સમય માટેનું ઠોસ પગલું બની શકે છે તે નિર્વિવાદ બાબત છે.