સાબરકાંઠા : તલોદ શહેરમાં લૂંટનો બનાવ બન્યો હતો. જેમાં તલોદના સ્થાનિક વેપારી દુકાનથી ઘરે જઈ રહ્યા હતા. ત્યારે અજાણ્યા બે યુવક બાઇક પર આવી પૈસા ભરેલ બેગ ઝુંટવી ફરાર થયા હતા.
જેમાં પોલીસે પણ આ મામલે તાત્કાલિક ધોરણે ચેકિંગ સહિત CCTV ફૂટેજની તપાસ હાથ ધરી હતી. જેના પગલે વેપારીનો પીછો કરી નાણાં ભરેલી બેગ લઈ બાઈક પર આવેલા બે શખ્સો સીસીટીવીમાં ઝડપાઇ ચૂકયા છે.
જ્યારે 2 લાખ જેટલી રકમની લૂંટની ઘટનાને અંજામ આપનારા બે યુવકો પલ્સર બાઈક પર આવ્યા હતા. તેમજ તલોદની વિદ્યુત બોર્ડ ઓફિસ નજીક ચીલઝડપ કરી હતી. જોકે, આ મામલે તલોદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી હતી. જેના પગલે લૂંટ કરી ફરાર થયેલા બંને આરોપીઓની તસવીર સામે આવી ચૂકી છે. હાલમાં પોલીસે આ મામલે લૂંટ કરનાર આરોપીની અટકાયત કરવા સીસીટીવી ફૂટેજ સહિતની ઝીણવટભરી વિગતો એકઠી કરી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
જોકે, તલોદમાં બે માસ અગાઉ પણ આવી જ એક ચોરી થઈ હતી. પરંતુ આજદિન સુધી તેની કોઇ જાણ થઇ નથી. ત્યારે સ્થાનિક વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. જ્યારે લોકોની માગ છે કે, સ્થાનિક પોલીસ આ મામલે પૂર્ણ ગંભીરતા દાખવી તાત્કાલિક ધોરણે આરોપીઓ સુધી પહોંચે તે જરૂરી છે.