હિંમતનગરઃ કોરોના વાઈરસની મહામારી વચ્ચે આરોગ્ય કર્મીઓ પોતાની સુરક્ષાનો વિચાર કર્યા વિના માનવતાની સેવા કરી રહ્યા છે. 108 એમ્બ્યુલેન્સ વાનના કર્મીઓ દ્રારા હાલ કોરોનાની મહામારીમાં દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવા અને પ્રાથમિક ઉપચાર કરવા જેવા કામો કરી પોતાનું યોગદાન આપી રહ્યાં છે, તેમની પ્રશંસા કરી જી.વી.કેના મેનેજર જશવંત પ્રજાપતિએ પત્ર લખી 108ના કર્મીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
હાલ કોરોના મહામારીએ વિશ્વને પોતાના ભરડામાં લીધુ છે. કોરોના મહામારીનો શિકાર આજે આરોગ્ય કર્મીઓ પણ થઈ રહ્યા છે, છતાં પણ પોતાની ચિંતા કર્યા વિના નાગરિકોના સ્વાસ્થ્યની પરવા કરી દિવસ-રાત પોતાની ફરજ સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં 108ના કર્મીઓ દ્વારા સારી કામગીરી કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હિંમતનગર માટે સ્પેશિયલ કોવિડ-19 એમ્બ્યુલેન્સ ફાળવવામાં આવી છે. જે લોકો માટે દેવદૂતનુ કામ કરી રહી છે. ત્યારે તેમની કામગીરીને જી.વી.કેના મેનેજર જશવંત પ્રજાપતિએ આ આરોગ્ય કર્મીઓને આભાર દર્શાવતો પત્ર લખી સન્માનિત કર્યા હતા. જે હાલના સમયમાં ખૂબ જ મહત્ત્વનું બની રહે છે.