સાબરકાંઠાના આગીયોલ ગામે આજે પ્રોપર્ટી કાર્ડ માટે ડિજીટલ ડ્રોન થકી એક પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં સમગ્ર ગામના લોકોનો પ્રોપર્ટી કાર્ડ બનાવવા માટે ડિજીટલ ડ્રોન થકી ઇમેજ બનાવવામાં આવી હતી. તેમજ આ ઇમેજ થકી પ્રોપર્ટીકાર્ડ બનાવવામાં સમય અને શક્તિનો ખૂબ જ બચાવ થાય છે તેનું પ્રત્યક્ષ નિદર્શન કરાયું હતું.
આ સાથે જ ડ્રોન દ્વારા લેવાયેલી આ તસવીરને પગલે તેનો ઝીણવટ પૂર્વક અભ્યાસ કરાયા બાદ કોઈપણ પ્રકારની ક્ષતિ રહીત પ્રોપર્ટી કાર્ડ બની શકે છે તે પણ દર્શાવ્યું હતું. સરકારના આવા આયોજનની પગલે ગુજરાતમાં ભાવનગર અમદાવાદ તેમજ સાબરકાંઠાના એક એક ગામડાને પાયલોટ પ્રોજેક્ટ તરીકે પસંદગી કરવામાં આવ્યા હતા. જેમાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના આગીયોલ ગામમાં જ માત્ર 50 મિનિટની અંદર સમગ્ર ગામના પ્રોપર્ટી કાર્ડ માટેની તજવીજ પૂર્ણ કરી દેવાઇ હતી.
ગુજરાત સરકાર આગામી સમયમાં 18,000 ગામડાં આ પ્રકારનું આયોજન કરવા જઈ રહી છે. જેમાં કોઈ પણ ગામના એકથી દોઢ કિલોમીટરની ત્રિજ્યામાં આવેલા મિલકત ધારકોના પ્રોપર્ટી કાર્ડ બનાવવા માટે ડ્રોનનો ઉપયોગ કરી અવકાશી તસવીર લઈ તેનું બારીકાઈ તેમજ ઝીણવટપૂર્વકની ઈમેજ થકી માત્ર 50 મિનિટની અંદર જે તે ગામનું કામ પૂર્ણ કરી લેવાય છે.
આજે આગીયોલા ગામનું પાયલોટ પ્રોજેક્ટ તરીકે પસંદગી થયા બાદ ડિજીટલ યુગ થકી આગામી સમયમાં કેટલી સરળતા આવશે તેનો તાગ મેળવી શકાયો હતો. આ પાયલોટ પ્રોજેક્ટના શુભારંભ ગાંધીનગરથી લઈ સાબરકાંઠા જિલ્લાના તમામ અધિકારીઓ પાઇલોટ પ્રોજેકટની પદ્ધતિને બિરદાવી હતી. તેમજ આગામી સમયમાં ડિજીટલ ક્રાંતિને પણ બિરદાવી હતી. તેમજ સરકારના પ્રયાસમાં મદદરૂપ થવાની આશા વ્યક્ત કરી હતી.