હિંમતનગર: કોરોનાનો કહેર દિન-પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં આજે વધુ ત્રણ કેસ નોંધાયા છે તેમજ વધુ એક વૃદ્ધાનું મોત થતાં સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્રમાં પણ હવે ખળભળાટ મચ્યો છે.
સાબરકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણ કેસ વધી રહ્યા હોવાથી આ સંક્ર્મણને ફેલાતું રોકવા માટે વહિવટી તંત્ર દ્વારા લોકોમાં કોરોનાને લઈને જાગૃતિ લાવવા સેનિટાઇઝેશન, ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ વગેરે બાબતે વારંવાર ધ્યાન દોરવામાં આવી રહ્યું છે. જો કે આજે આવેલા રીપોર્ટમાં તલોદ તાલુકાના હરસોલના 55 વર્ષિય પુરૂષ તેમજ પ્રાંતિજ શહેરના વ્હોરવાડ વિસ્તારના 68 વર્ષિય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
હિંમતનગર શહેરના 70 વર્ષિય વૃદ્ધાનું કોરોના સંક્ર્મણને પગલે દુ:ખદ અવસાન થયું હતું. જેના પગલે સાબરકાંઠામાં કુલ કોરોના વાઇરસના સંક્રમણ અને અન્ય બિમારીઓના પગલે કુલ 6 લોકોના દુ:ખદ અવસાન થયા હતા.
સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના કુલ 116 કેસ નોંધાયા છે. જેમાંથી 89 દર્દી કોરોના મુક્ત થયા છે. જયારે 6 કોરોના દર્દીના દુ:ખદ મૃત્યુ થયા હતા. હાલમાં 21 દર્દી કોરોનાની સારવાર હેઠળ છે.
જોકે આગામી સમયમાં આ મામલે વહીવટી તંત્ર દ્વારા વધુ ઠોસ પગલાં નહીં લેવાય તો સાબરકાંઠા જિલ્લામાં પણ કોરોનાનો કહેર વધવાની પૂર્ણ સંભાવનાઓ છે.