તલોદઃ સાબરકાંઠાના તલોદ નગરપાલિકામાં 23 સભ્યોમાંથી 16 સભ્યોએ આજે નગરપાલિકાના ચીફ ઓફિસરને પાલિકામાં યોગ્ય વહીવટ ન થતો હોવાથી અવિશ્વાસની દરખાસ્ત કરતા સમગ્ર જિલ્લાનું રાજકારણ ગરમાયુ છે.
સાબરકાંઠાની તલોદ નગરપાલિકા છેલ્લા કેટલાક સમયથી વિવિધ વિવાદોમાં સપડાતી રહી છે. આજે સ્થાનિક 23 સદસ્યો પૈકી 16 સદસ્યોએ છેલ્લા કેટલાક સમયથી તલોદ નગરપાલિકામાં કોઈપણ પ્રકારનો યોગ્ય વહીવટ ન થતો હોવાની વાત સાથે જોહુકમી અને અનગડ વહીવટ થતો હોવાની વાત સાથે અવિશ્વાસ દરખાસ્ત કરી છે.
આ અંગે 16 જેટલા સભ્યોએ પોતાની નામજોગ સહી કરી તલોદ નગરપાલિકાના ચીફ ઓફિસર પાલિકા પ્રમુખ તેમજ ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કરી છે. જેના પગલે અવિશ્વાસની દરખાસ્ત થતાની સાથે જ જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો વ્યાપ્યો છે.
તલોદ નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ સામે કારોબારીમાં મંજૂર થયેલા કામોનો વર્ક ઓર્ડર ન આપવાની વાત સહિત વિવિધ બાબતે યોગ્ય રજૂઆતનો નિકાલ ન આવતા અવિશ્વાસની દરખાસ્ત આવી છે. જોકે, તલોદ નગરપાલિકામાં આગામી સમયમાં અવિશ્વાસની દરખાસ્ત કેટલા સમય સુધી ટકી રહે છે એ પણ મહત્ત્વનું બની રહેશે.