સાબરકાંઠાના પ્રાંતિજની અવર ઓન સ્કૂલ ખાતે ગુજરાત રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે રાષ્ટ્રીય બાળ આરોગ્ય તપાસ તેમજ ચકાસણીની વિધિવત શરૂઆત કરાઈ છે. જે આગામી એક સપ્તાહ સુધી યથાવત રહેશે. આ સપ્તાહ દરમિયાન સાબરકાંઠા જિલ્લાના 1 લાખથી વધારે બાળકોની આરોગ્ય તપાસણી કરવામાં આવશે. તેમજ જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સારવાર પણ આપવામાં આવશે. આ તબક્કે બોલતા ગુજરાત રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગુજરાતની સુખાકારી અને કલ્યાણકારી યોજનાઓના પગલે ગુજરાતની જનતાએ સતત છઠ્ઠીવાર ગુજરાત વિધાનસભામાં બેસવાનો મોકો આપ્યો છે. આ માટે નો સંપૂર્ણ શ્રેય ભારતના વડાપ્રધાન મોદીને જાય છે.
ગુજરાતની આ યોજનાના પગલે કેટલાય બાળકોના વાલીઓના આશીર્વાદ મળી રહ્યાં છે. તેમજ ભારતમાં શરુ થયેલી આયુષ્યમાન ભારત યોજના પગલે વિશ્વના દેશો પણ અચંબિત છે. જો કે, ભારતની આવી કુનેહપૂર્વકની અને દૂરોગામી વિકાસલક્ષી બાબતોના પગલે ભારત અડીખમ રીતે આગળ વધી રહ્યું છે. તેમજ આના કારણે આગામી સમયમાં જિલ્લાના તમામ બાળકોનું જીવન સુખાકારી, તે બાદ તેનો સરકાર દ્વારા શ્રેષ્ઠ પ્રયાસ હાથ ધર્યો છે. તેમજ આરોગ્ય સ્વચ્છ હોવાના પગલે બાળકોના અભ્યાસમાં પણ ફરક આવ્યો છે. સ્વસ્થ તનમાં સ્વસ્થ મન રહે છે. જેના પગલે બાળકો પણ સુખાકારી સાથે ઉર્ધ્વગામી બની શકશે. જો કે, સરકાર દ્વારા મસમોટા પ્રોગ્રામની શરૂઆત તો થાય છે, પરંતુ તેનો લાભ છેવાડાના વ્યક્તિ સુધી નથી પહોંચતો એ પણ સત્ય છે, ત્યારે આ વખતે શરૂ થયેલો આ પ્રોગ્રામ આગામી સમયમાં કેટલા બાળકો સુધી પહોંચેએ તો આગામી સમય બતાવશે.