સાબરકાંઠા: એક તરફ ડિજિટલ શિક્ષણની વાતો થઈ રહી છે તો બીજી તરફ આજની તારીખે પણ વિદ્યાર્થીઓની મજાક મસ્તી મામલે તાલીબાની સજા આપવાનો મામલો સામે આવ્યો છે. સાબરકાંઠાના ખેરોજની નચિકેતા વિદ્યાલયમાં 13 જેટલા વિદ્યાર્થીઓને મજાક મસ્તી મામલે ધગધગતા ડામ અપાતા સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. પોલીસ સહિત વહીવટી તંત્ર દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
બાળકોને તાલિબાની સજા: ખેડબ્રહ્મા, પોશીના તેમજ ખેરોજમાં વસતાં અંતરિયાળ વિસ્તારના આદિવાસી બાળકોના અભ્યાસ માટે આદર્શ નિવાસી નચિકેત વિદ્યાલય આવેલી છે. જેમાં ત્રણ દિવસ અગાઉ સ્થાનિક સ્કૂલમાં મજાક મસ્તી મામલે 13 જેટલા વિદ્યાર્થીઓને શરીર ઉપર વિવિધ જગ્યાએ ડામ અપાયાની પોલીસ સહિત સાબરકાંઠા જિલ્લા કલેકટર કચેરીએ લેખિતમાં રજૂઆત કરાઈ હતી.
નચિકેતા સંસ્થાના કર્મચારીએ નિવેદન આપ્યું છે કે સામાન્ય બાબતે બાળકો વચ્ચે ધમાલ મસ્તી કરતા હોવાના પગલે ડામ અપાયા છે. આ સમગ્ર ઘટના ત્રણ મહિના પહેલા બની હતી.
સમગ્ર ઘટના મામલે ત્રણ દિવસ અગાઉ લેખિત રજૂઆત કરાયા બાદ આજે શાળા, પરિવાર અને પીડિત પરિવાર સહિત બાળકની પૂછતાછ શરૂ કરવામાં આવી છે. સાથોસાથ પીડિત પરિવારના નિવેદનના આધારે જે તે જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે તેમજ જવાબદાર સામે કડક પગલાં લેવા પણ જણાવાયું છે.
લોકોમાં ભારે રોષ: વાલીઓનો આરોપ છે કે તેમની રજૂઆત છતા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતાં વાલીઓ શિક્ષણાધિકારી સુધી પહોંચ્યા હતા અને લેખિતમાં રજૂઆત કરી હતી. આખરે વાલીઓ સીધા ખરોજ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ત્યાં લેખિતમાં ફરિયાદ નોંધાવી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જે બાદ સમગ્ર મામલો સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે સમગ્ર મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે.
જોકે હર હંમેશની જેમ આ વખતે પણ પોલીસને ત્રણ દિવસ અગાઉથી કોમળ ફૂલ જેવા બાળકો ઉપર તાલીબાની સજા અપાયાના મામલે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. છતાં કોઈ તપાસ થઈ શકી નથી ત્યારે સ્થાનિક કક્ષાએ ફરી એકવાર જિલ્લા વહીવટી તંત્રનો સંપર્ક કરાતા આખરે પોલીસે આળસ ખંખેરી તપાસની તજવીજ હાથ ધરી છે.