સાબરકાંઠાઃ કોરોના મહામારીના પગલે સમગ્ર વિશ્વમાં ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ મહામારીમાં જિલ્લાના સારસ્વતો સરકારની નજીક ઉભા રહી પોતાની સામાજિક, આર્થિક, નૈતિક તમામ ફરજો બજાવી રહ્યા છે. મુખ્યપ્રધાનની અપીલને પગલે હિંમતનગર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મુખ્યપ્રધાન રાહત ફંડમાં રૂપિયા 26,85,118/-નો ચેક અર્પણ કરી પોતાની નૈતિક ફરજ બજાવી છે.
આપણા દેશમાં આ મહામારીથી નાગરીકોને બચાવવા માટે PM દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકા પ્રાથમિક શિક્ષકોએ પોતાની દેશ પ્રત્યેની આર્થિક ફરજના ભાગરૂપે 26,85,118/- જેટલુ માતબર દાન કોરોના સામેની લડાઇ માટે રાજ્ય સરકારને આપી એક ઉદાહરણ પુરૂ પાડ્યું છે કે, શિક્ષક માત્ર વિધ્યાનું જ દાન નથી કરતા પરંતુ જરૂર પડે તેઓ દેશ માટે આર્થિક મદદ પણ કરે છે.
હિંમતનગર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે.કે. પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ વિનયકુમાર જે. પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રધાન કેતન પટેલ અને રાજેન્દ્ર પ્રજાપતિ અને સંઘના આગેવાન અમૂલ પટેલે કલેક્ટરને ચેક અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. વહિવટી તંત્ર અને રાજ્ય સરકાર વતી જિલ્લા કલેક્ટરે હિંમતનગર તાલુકાના તમામ શિક્ષકોનો આભાર માન્યો હતો.
જોકે આ પ્રકારનો પ્રયાસ ગુજરાતના તમામ શિક્ષણ સંઘ દ્વારા કરવામાં આવે તે જરૂરી છે. ત્યારે હિંમતનગર શિક્ષણ સંઘ દ્વારા ગુજરાતના અન્ય શિક્ષકોને દિશાસૂચક પ્રયાસ કરાવાયો છે. ત્યારે આગામી સમયમાં ગુજરાતના અન્ય સંઘો પણ આ દિશા તરફ આગળ વધે તો ગુજરાત આર્થિક દૃષ્ટિએ પણ મજબૂત બની શકે તેમ છે.