સાબરકાંઠાઃ કોરોના મહામારીને કારણે જગતના તાતની સ્થિતિ કફોડી થવાને પગલે ભારતીય કિસાન સંઘ દ્વારા મંગળવારે સાબરકાંઠા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કિસાનોને તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવાની માગ કરવામાં આવી છે.
કોરોના મહામારીને પગલે સૌથી વિપરીત પરિસ્થિતિ કિસાનોની થઇ છે, જેથી કિસાનોને તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવા માટે ભારતીય કિસાન સંઘ દ્વારા મંગળવારે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં કિસાનોને છેલ્લા ચાર માસના વીજ બીલ માફ કરવાની સાથોસાથ કૃષિ ધિરાણ ઉપર કોઈપણ પ્રકારના વ્યાજ લગાવ્યા વિના ફરીથી કૃષિ ધિરાણ આપવાની અપીલ કરાઈ છે.
ભારત સરકાર દ્વારા 20 લાખ કરોડના પેકેજની જાહેરાત થયા બાદ પ્રથમવાર ભારતીય કિસાન સંઘ દ્વારા છેવાડાના ખેડૂતને કોઈપણ પ્રકારનો લાભ ન મળતો હોવાની માગ સાથે મંગળવારે આવેદનપત્ર આપી પોતાનો વિરોધ રજૂ કર્યો છે. આ આવેદન પત્રના પગલે સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં કિસાનોની દશા અને દિશામાં કેવો ફેરફાર થાય છે એ તો સમય બતાવશે પરંતુ વર્તમાન સમય અનુસાર કિસાનોની હાલત કફોડી થઇ છે.