- રેમડેસીવીર ઇન્જેક્શનની કાળાબજારી કરનારા ચાર ઝડપાયા
- ચાર આરોપીઓ 25 હજારમાં આપતા હતા રેમડેસીવીર ઇન્જેક્શન
- અમદાવાદથી ઇન્જેક્શન લાવી હિંમતનગરમાં આપતા હતા
સાબરકાંઠાઃ કોરોના મહામારી વચ્ચે દર્દીઓ માટે સંજીવની સાબિત થયેલા રેમડેસીવીર ઇન્જેક્શની ખૂબ મોટા પ્રમાણમાં કાળાબજારી થઈ રહી છે ત્યારે સાબરકાંઠા પોલીસે આ મામલે તપાસ હાથ ધરતા ચાર આરોપીઓને ત્રણ રેમડેસીવીર ઇન્જેક્શન સાથે ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. એક તરફ હાલમાં ચાલી રહેલા કોરોના મહામારી વચ્ચે આરોગ્યલક્ષી સેવાઓ ના મળવાને લઈને કેટલાક દર્દીઓ જીવ ગુમાવી રહ્યા છે તો બીજી તરફ કોરોના કાળમાં દર્દીઓ માટે સંજીવની સમાન રેમડેસીવીર ઇન્જેક્શનની કાળાબજારી કરતા શખ્સો પોલીસ સકંજામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં વધુ એક રેમડેસીવીર ઇન્જેક્શનનું કૌભાંડ ઝડપાયું
બાતમીના આધારે કૌભાંડ આવ્યું બહાર
હિંમતનગરના સહકારી જિન ચાર રસ્તા પાસેથી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)દ્વારા બાતમીના આધારે રેમડેસીવીરનું બીનઅધિકૃત વેચાણ કરતા ચાર શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે ત્રણ રેમડેસીવીર વાઇલ સાથે ચાર આરોપીની ધરપકડ કરી રેમડેસીવીર ક્યાંથી લાવ્યા અને અન્ય કોઈ લોકો આ કાળાબજારીમાં સંકળાયેલા છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
રેમડેસીવીર વાઇલ 25 હજાર રૂપિયામાં વેચતા હતા
પોલીસે ઝડપી પાડેલા આરોપીઓ દર્દીઓની મજબૂરીનો લાભ લઇ એક રેમડેસીવીર વાઇલ 2,5000 જેટલી રકમમાં વેચતા હતા. પોલીસે ચારેય આરોપીઓ સામે એસેન્સિયલ કોમોડિટી એક્ટ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને એપેડેમીક ડીસીઝ એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે અને તપાસ દરમિયાન હજુ વધુ નામો બહાર આવવાની શક્યતાઓ સેવાઇ રહી છે.
આ પણ વાંચોઃ નકલી રેમડેસીવીર ઇન્જેક્શનની કાળાબજારી કરતા 6 શખ્સોની ધરપકડ, 5 હજારથી વધુ ઇન્જેક્શનો વેચી માર્યા
પોલીસે ઝડપી પાડેલા આરોપીઓના નામ
- ઉત્તમ જયંતીભાઈ સોલંકી
- દિનેશ જીવાભાઈ વણકર
- પિયુષ અંબાલાલ પટેલ
- કમલેશ ધર્માંભાઈ રાઠોડ