અમદાવાદઃ FDCAને આ દવાના જથ્થા વિશે ગુપ્ત માહિતી મળી હતી. FDCAના અધિકારીઓએ ગુરુવારે હિંમતનગર સ્થિત ગીરધરનગરની એક દવાની દુકાને રેડ કરી હતી. આ રેડમાં 25 લાખ રુપિયાની કિંમતની નકલી એન્ટિ બાયોટિક દવાઓ મળી આવી હતી. આ દવાઓમાં સેફિક્સિમ, એજિથ્રોમાઈસિન અને બેસિલસ જેવા તત્વો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ એન્ટિ બાયોટિક્સ દવાઓનો ઉપયોગ ગંભીર બિમારીની સારવાર માટે કરવામાં આવે છે.
હિમાચલ પ્રદેશની નકલી કંપનીઃ દવાઓ પર નિર્માતાનું નામ લાઈફ સાયન્સ, સિરમૌર, હિમાચલ પ્રદેશ લખવામાં આવ્યું હતું. જ્યારે અધિકારીઓએ હિમાચલ પ્રદેશના ડ્રગ કંટ્રોલર વિભાગનો સંપર્ક કર્યો ત્યારે માલૂમ પડ્યું કે આવી કોઈ કંપની અસ્તિત્વ જ ધરાવતી નથી. દુકાનના ઓનર હર્ષ ઠક્કર આ દવાઓની ખરીદ વેચાણનું કોઈ બિલ રજૂ કરી શક્યા નથી. તેથી આ દવાઓ નકલી હોવાનું સામે આવ્યું છે. અધિકારીઓએ જપ્ત કરેલી નકલી દવાના સેમ્પલ વડોદરા સ્થિત લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપ્યા છે. તેમજ આ નકલી દવાઓના સ્ત્રોતની જાણકારી માટે હર્ષ ઠક્કરની પુછપરછ ચાલી રહી છે.
ઘરે દવાનો જથ્થો ઝડપાયોઃ આ છાપા બાદ FDCAની ટીમે હિંમતનગરના ટાઉનહોલ પાસેના એક ઘરમાં છાપો માર્યો. જેમાં 12.74 લાખ રુપિયાની ગર્ભપાત માટેની અને અન્ય દવાઓ જપ્ત કરવામાં આવી છે. સ્વામિનારાયણ મેડિકલ એજન્સીના માલિક ધવલ પટેલે અધિકારીઓ પાસેથી પરવાનગી મેળવ્યા વિના જ પોતાના ઘરે દવાઓના વેચાણ માટે દવાનો સંગ્રહ શરુ કર્યો હતો.
સેમ્પલ પરિક્ષણ બાદ કાર્યવાહીઃ FDCAના અધિકારીઓ અનુસાર લેબોરેટરીમાં મોકલેલા સેમ્પલના પરિક્ષણમાં જે પરિણામ આવશે તેના પરથી હર્ષ ઠક્કર અને ધવલ પટેલ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે અધિકારીઓ બંને પાસેથી આ દવાઓ ક્યાંથી મેળવી અને કોને વેચવાના હતા તેની પુછપરછ કરી રહ્યા છે.
અગાઉ પકડાઈ હતી નકલી દવાઓઃ ઉલ્લેખનીય છે કે અગાઉ ગુજરાતના વિવિધ શહેરોમાં રેડ દરમિયાન 17.5 લાખ રુપિયાની નકલી એન્ટિબાયોટિક્સ દવા જપ્ત કરવામાં આવી હતી. આ કિસ્સામાં 4 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. FDCAએ જણાવ્યું હતું કે કેટલાક લોકો બેનામી કંપનીઓના એમઆર બનીને કામ કરતા હતા અને ડૉક્ટરોને નકલી દવા પહોંચાડતા હતા.