સાબરકાંઠા: હિંમતનગર સહકારી જીન ખાતે સરકારે નક્કી કરેલા ટેકાના ભાવથી ઓછા ભાવે કપાસ ખરીદતા ગુરુવારે ખેડૂતોએ હંગામો કર્યો હતો. સરકારે ટેકાનો ભાવ 1,100 નક્કી કર્યા છે. પરંતુ સ્થાનિક વેપારીઓ તેમજ સહકારી જીનના અધિકારીઓની મિલીભગતથી ભાવ 900થી પણ ઓછા આપવામાં આવે છે.
ગત એક અઠવાડિયાથી આ મામલે વિરોધાભાસ ચાલતો હતો. જો કે, ગુરુવારે સવારે 800થી પણ ઓછા ભાવે કપાસ ખરીદવાની શરૂઆત કરતા ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી હતી. સરકાર દ્વારા ખેડૂતોના પડતર મૂલ્યમાં નુકસાન ન જાય તે માટે 1200 રૂપિયા ટેકાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. પરંતુ ખેડૂતો પાસેથી 800થી પણ ઓછા ભાવે ખરીદી કરવામાં આવી હતી. જેથી ખેડૂતોમાં રોષ ફેલાયો હતો.
હંગામો સર્જાયા બાદ હરાજી બંધ કરવામાં આવી હતી. તેમજ સ્થાનિક ખેડૂતોએ અધિકારીને રૂબરૂ રજૂઆત કરતા અધિકારીઓએ આંખ આડા કાન કર્યા હતા. જો કે, સહકારી જીનમાં આવેલા તમામ ખેડૂતો એકરૂપ થતાં બંધ રખાયેલી હરાજી 1,100ના ભાવે ફરી શરૂ કરવામાં આવી હતી.
આ મુદ્દે ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા કે, ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા બીજા રાજ્યમાંથી આવતા કપાસને ટેકાના ભાવે ખરીદવામાં આવે છે અને સ્થાનિક ખેડૂતો પાસેથી માત્ર 800 રૂપિયામાં ખરીદવામાં આવે છે.