સાબરકાંઠા: રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના અલગ અલગ કુદરતી સૌન્દર્ય ધરાવતા સ્થળોનો વિકાસ કરી પ્રવાસન ઉદ્યોગને વેગ આપવાનો યોજના ઘડવામાં આવી છે. જે અંતર્ગત સાબરકાંઠાના વિજયનગર તાલુકાના પોલો ફોરેસ્ટનો પણ સમાવેશ કરી તેનો વિકાસ કરવામાં આવશે.
અહી આવતા પ્રવાસીઓને આકર્ષવા માટે સરકારે રૂ.7 કરોડના ખર્ચે રીવરફ્રન્ટ બનાવવાનું આયોજન કર્યું છે પરંતુ તેના માટે જે સ્થળની પસંદગી કરવામાં આવી છે તે સ્થળથી પોલો ફોરેસ્ટ અંદાજે પાંચ કિલોમીટર દૂર છે. તેમજ આ માટે પસંદ કરવામાં આવેલી જમીન ખેતીલાયક છે. જે રીવરફ્રન્ટના બાંધકામમાં જતી રહે તો 50 થી વધુ ખેડૂત પરિવારોને નુકસાન થશે.
આથી રિવરફ્રન્ટના બાંધકામનું સ્થળ બદલવા માટે ગુરૂવારે ખેડબ્રહ્મા-વિજયનગરના ધારાસભ્યની આગેવાની હેઠળ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ .
ખેડૂતોના જણાવ્યા મુજબ પોલો ફોરેસ્ટની અંદર પ્રવાસનધામના વિકાસ અર્થે હરણાવ નદી પર રીવરફ્રન્ટ બનાવવા માટે અંદાજે રૂ.7 કરોડથી વધુનો ખર્ચ થવાનો છે પરંતુ તેના માટે સરકારે જે સ્થળની પસંદગી કરી છે તે યોગ્ય નથી કારણ કે અભાપુર અને ધોળીવાવની સીમમાંથી પસાર થતી હરણાવ નદીમાં અગાઉ જ્યારે પૂર આવ્યુ હતું ત્યારે 50 થી વધુ ખેડૂતોની ખેતીલાયક જમીન ધોવાઈ ગઈ હતી.
ઉપરાંત નદીની બંને બાજુ અંદાજે એક કિલોમીટર લાંબો રીવરફ્રન્ટ બનાવવાનું સરકારે નક્કી કર્યુ છે પરંતુ હકીકતમાં પોલો ફોરેસ્ટથી અને ખાસ કરીને જોવાલાયક સ્થળ તરીકે ઓળખાતા અવશેષો તથા જૈન મંદિરો નિહાળવા માટે પર્યટકોને પાંચ કિલોમીટર દૂર જવુ પડે તેવી સ્થિતી છે.
જો તંત્ર દ્વારા સ્થળની ફેરબદલ અંગે કાર્યવાહી ન કરવામાં આવે તો ધારાસભ્ય તથા ખેડૂતોએ ઉપવાસ સાથે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.