- પોલો ફોરેસ્ટ ઉપર વધુ એક વખત પ્રતિબંધ
- 31 મી જાન્યુઆરી સુધી જાહેર રજાના દિવસે મુલાકાત ઉપર પ્રતિબંધ
- સ્થાનિક વિસ્તારમાં રોજગારીનો પ્રશ્ન વધશે
- વહીવટી તંત્ર દ્વારા ચોક્કસ નિર્ણય લેવાય તેવી માગ
સાબરકાંઠા: જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી મીની કાશ્મીર તરીકે પ્રખ્યાત થયેલા ફોરેસ્ટમાં દિન-પ્રતિદિન મુલાકાતીઓની સંખ્યા વધી રહી છે, ત્યારે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી વહીવટીતંત્ર દ્વારા વધુ એક વાર આગામી જાન્યુઆરી સુધી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જે અંતર્ગત જાન્યુઆરી માસના તમામ તેમજ જાહેર રજાના દિવસે બહારના મુલાકાતીઓ માટે પ્રવેશબંધી કરવામાં આવી છે. જે અંતર્ગત વણજ ડેમ સાઇટ પરથી લઇ પૂરો ફોરેસ્ટ સુધીના વિસ્તારને પ્રતિબંધિત જાહેર કરાયું છે. તેમજ સ્થાનિક લોકો માટે છૂટ આપવામાં આવી છે કે, બહારના લોકો આ સમયગાળા દરમિયાન મુલાકાત ના લે, તે માટે વિશેષ ધ્યાન આપવામાં આવશે. કોરોના સંક્રમણને કારણે સાબરકાંઠા જિલ્લા સમાહર્તા દ્વારા જાહેર કરાયેલા જાહેરનામાને પગલે સ્થાનિક વિસ્તારમાં રોજગારીનો પ્રશ્ન પણ આગામી સમયમાં વિકટ બને તો નવાઈ નહીં.
પોલો ફોરેસ્ટ ઉપર પ્રતિબંધ
આગામી 31 મી જાન્યુઆરી સુધી તમામ જાહેર રજા તેમજ શનિ-રવિ ઉપર સાબરકાંઠા જિલ્લા સમાહર્તા દ્વારા પોલીસ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવી છે. જે અંતર્ગત તમામ મુલાકાતીઓ માટે રજાના દિવસે પોલો ફોરેસ્ટની મુલાકાત લેવી એક ગુનો ગણાશે. આ સાથો-સાથ ગુનાનો ભંગ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જાહેરનામામાં જોગવાઇ કરાઇ છે. જોકે પૂરો ફોરેસ્ટ મીની કાશ્મીર તરીકે પ્રસિદ્ધ થઈ ચુક્યું છે, ત્યારે હજારોની સંખ્યામાં લોકો મુલાકાત લેવા માટે આવે છે ત્યારે પ્રતિબંધના પગલે લોકોએ મુલાકાત વિના પાછું ફરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
કોરોના સંક્રમણ ન ફેલાઇ તે માટે લેવાયો નિર્ણય
સમગ્ર વિશ્વમાં કોરોનાનો કાળો કહેર ચાલી રહ્યો છે, તે પ્રતિદિન વધી રહ્યો છે. જે અંતર્ગત પોલો ફોરેસ્ટમાં રોજના 20 હજારથી વધારે લોકો મુલાકાત લઇ રહ્યાં છે જેના પગલે સાબરકાંઠા જિલ્લા સમાહર્તા દ્વારા આ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યું છે. જે હેઠળ જાન્યુઆરી માસના તમામ શનિ-રવિ તેમજ જાહેર રજાના દિવસે બહારના કોઈ પણ મુલાકાતીને પ્રવેશ આપવામાં આવશે નહીં. આ સાથે કોઈ મુલાકાતી પરમિશન વિના પોલો ફોરેસ્ટમાં પ્રવેશ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
રોજગારીનો પ્રશ્ન વધશે
પોલો ફોરેસ્ટનું નવીનીકરણ હાથ ધરાયા બાદ સ્થાનિક વિસ્તારમાં વિવિધ રોજગારો માટે નવી તકોનું સર્જન થયું હતું. તેમજ છેલ્લા કેટલાક સમયમાં રોજગારીની વિપુલ તકો પણ સર્જાઇ હતી. આ સાથે સ્થાનિક નાના-મોટા ધંધા-રોજગાર ઉભા થવાને પગલે લોકો રોજગારી પણ મળી રહ્યા હતા. જોકે કોરોના સંક્રમણની શરૂઆતથી આજદિન સુધી પ્રતિબંધ યથાવત રહેવાના પગલે સ્થાનિક વિસ્તારમાં રોજગારીનો પ્રશ્ન વિકટ બની રહ્યા છે, ત્યારે આગામી સમયમાં વધારવામાં આવેલા પ્રતિબંધને પગલે રોજગારીને પગલે સ્થાનિક વિસ્તારમાં રોષ ઉભો થાય તો નવાઇ નહીં. જોકે રોજગારીના મામલે પણ વહીવટીતંત્ર ચોક્કસ નિર્ણય લે તે સમયની માગ ઉઠી છે.