સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લા સમાહર્તાએ કોરોના પ્રતિકારક વર્ધક રથને આજે લીલી ઝંડી આપી હતી. જે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ફરી 50 હજારથી વધુ તુલસી અને અરડુસીના છોડવાઓનું વિતરણ કરશે.
સાબરાકાંઠા જિલ્લામાં 71માં વનમહોત્સવ નિમિત્તે 16.5 લાખ રોપાઓનો ઉછેર અને વિતરણ કરવામાં આવ્યું છે. પરંતુ હાલમાં કોરોના મહામારીથી રક્ષણ માટે આયુર્વેદિક ઔષધીઓ તુલસી અને અરડુસી ખુબ જ ઉપયોગી છે. સામાજિક વનિકરણ વિભાગ દ્વારા 50 હજારથી વધુ છોડવાઓનો ઉછેર કરી વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લા સમાહર્તા સી.જે. પટેલે કોરોના પ્રતિકારક વર્ધક રથને કલેક્ટર કચેરીના પ્રાંગણમાંથી લીલી ઝંડીના પ્રતિક સમા લીલા પાનથી પ્રસ્થાન કરાવ્યું હતું.
સાબરકાંઠા જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. આ પરીસ્થિતિમાં કોરોના સામે રક્ષણ મેળવવા અને રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા માટે આયુર્વેદિક ઔષધીઓ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે. આ ઔષધીઓ જિલ્લાના દરેક લોકોના ઘરે ઉછેર કરવામાં આવે અને ઉપયોગ કરવામાં આવે તે ઉદ્દેશ્યથી સામાજિક વનિકરણ વિભાગ દ્વારા ૫૦ હજારથી વધુ ઔષધી તુલસી અને અરડુસીના છોડવાઓનો ઉછેર કરવામાં આવ્યો છે. આ છોડ નરેગા નર્સરી હિંમતનગરની વક્તાપુર અને લાલપુર તેમજ વાવડી ખાતે ઉછેર કરવામાં આવ્યો છે.
જો કે, આ રથ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ઘરે ઘરે ફરીને આ રોપાઓનુ વિતરણ કરશે, સાથે કોરોનાથી બચવાનો સંદેશ આપશે જે આગામી સમયમાં કેટલો કારગત રહે છે એ જોવું રહ્યું.