સાબરકાંઠા: જિલ્લામાં કોરોના સંક્રમણ સામે લડતા અને કોરોનાના દર્દીઓને કોરોના મુક્ત કરવા વહિવટી તંત્ર અને આરોગ્ય તંત્ર સતત ખડે પગે 24 કલાક કામ કરી રહ્યું છે. જિલ્લામાં કોરોનાના 99 દર્દીઓએ કોરોનાને માત આપી સાજા થઈ ઘરે ગયા છે.
માત્ર બે માસની બાળકીથી લઈ 80 વર્ષિય વૃદ્ધ સુધીના કોરોનાના દર્દીઓને જિલ્લાની તબીબી ટીમે કોરોના મુક્ત કર્યા છે. ત્યારે જિલ્લાની તબીબી ટીમની સફળતામાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે. જેમાં હિંમતનગરના આગિયોલ ગામના 40 વર્ષિય મુકેશગીરી ગોસ્વામીએ કોરોનાને માત આપી સ્વસ્થ થયા. મુકેશગીરી ગોસ્વામીને બ્લડ કેન્સર છે અને તેમને પિતાને ડાયાબીટીસ હોવા છતાં આજે બંને પિતા પુત્ર કોરોના મુક્ત બન્યા છે.
મુકેશભાઇ અને તેમના પિતા કૈલાસગીરી ગોસ્વામીએ કોરોનાને માત આપી ઘરે પરત ફરતા હોસ્પિટલ સ્ટાફ અને સરકારનો તેમજ જિલ્લા વહિવટી તંત્રનો ખુબ આભાર માન્યો હતો. આ સાથે 45 વર્ષિય મહિલા જૈનમબીબી સુરતીને પણ સ્વસ્થ થતા ઘરે જવા રજા અપાઇ હતી.