આજે સમગ્ર વિશ્વમાં દર 6 સેકન્ડે તમાકુના સેવનને પગલે 1 વ્યક્તિનું મૃત્યુ થાય છે. છતાં હજી સુધી ભારત સહીત સમગ્ર વિશ્વ તમાકુની વિપરીત અસરો તેમજ તેના નિરાકરણ માટે કોઈ ઠોસ પગલા ભરવામાં નિષ્ફળ રહ્યું છે. જો કે, આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસને પગલે સમગ્ર દેશ સહિત ગુજરાતભરમાં વિવિધ સંસ્થાઓ તેમજ સંગઠનો દ્વારા રેલી કરી તમાકુ અંગે સમાજને જાગૃત બનાવાના વિવિધ કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે.
આ દિવસ નિમિતે સાબરકાંઠાના હિંમતનગરમાં ડેન્ટિસ્ટ એસોસિએશન દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં શહેરના મધ્યમાંથી લઇ વિવિધ વિસ્તારમાં થઈ આદર્શ સ્કૂલમાં આ રેલી પૂરી થઇ હતી. તેમજ શહેરના તમામ ડેન્ટિસ્ટ ડોકટરો આ રેલીમાં વિવિધ બેનર સાથે જોડાયા હતા. આજથી આગામી 10 દિવસ સુધી ડેન્ટિસ્ટને લગતી તમામ સમસ્યાઓની જાણકારી તેમજ સલાહ સુચન મફત આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેનાથી સ્થાનિક સમાજને જાગૃત કરવાનો પ્રયાસ કરાયો હતો.