રાજકોટઃ રજી ઓક્ટેબર એટલે ગાંધી જયંતિ. દરેક ભારતીય માટે આજનો દિવસ મહત્વનો છે. સૌ પોતપોતાની રીતે મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ પાઠવતા હોય છે. રાજકોટના એક શિક્ષક નિકુંજ વાગડીયાએ ગાંધીજીને અનોખી શ્રદ્ધાંજલિ આપી છે. આ શિક્ષકે વિશ્વની સૌથી નાના કદની ગાંધીજીની આત્મકથા તૈયાર કરી છે.
નાના કદની 'સત્યના પ્રયોગો': ગાંધીજીની વિશ્વ વિખ્યાત આત્મકથા 'સત્યના પ્રયોગો'ને ઓળખની કોઈ જરૂર નથી. રાજકોટના શિક્ષકે આ આત્મકથાને વિશ્વનું સૌથી નાનું કદ આપ્યું છે. આ આત્મકથા 1X1 ઈંચનું કદ ધરાવે છે. તેમજ આ આત્મકથાનું વજન 7 ગ્રામ છે. આ સમગ્ર આત્મકથા પ્રિન્ટેડ નથી. આ શિક્ષકે પોતાના સ્વહસ્તે સમગ્ર આત્મકથા લખી છે. આ આત્મકથાનું દરેક પેજ દરેક વાક્ય સુવાચ્ય અક્ષરે લખાયેલું છે. સૌથી નાના કદની ગાંધીજીની આત્મકથા હાલ ટોક ઓફ ધી ટાઉન બની છે.
આ સૂક્ષ્મ આત્મકથાની વિશેષતા એ છે કે આ હાથે લખેલી બૂક છે, એટલે કે કોઈપણ જગ્યાએ તેને પ્રિન્ટ કરવામાં આવી નથી. જેના કારણે વિશ્વમાં માત્ર આ એક જ બૂક છે. એક ગુજરાતી હોવાને કારણે મને ગર્વ છે કે મેં ગાંધીજીને અનોખી શ્રદ્ધાંજલિ આપી છે. ગાંધીજીના વિચારોને વિશ્વ સુધી પહોંચાડવા માટે મારો આ એક અનોખો પ્રયાસ કર્યો છે...નિકુંજ વાગડીયા(સુક્ષ્મ આત્મકથા તૈયાર કરનાર, રાજકોટ)
બે ભાગની આત્મકથાઃ નિકુંજ વાગડીયા દ્વારા તૈયાર કરવામાં આવેલી ગાંધીજીની આ સુક્ષ્મ આત્મકથા બે ભાગમાં વહેંચાયેલી છે. બંને ભાગમાં 325 જેટલા પેજ છે. આ સુક્ષ્મ કદની આત્મકથા તૈયાર કરવામાં અંદાજિત રૂ.5 હજાર જેટલો ખર્ચ પણ થયો છે. અલગ અલગ પેજ તેમજ બૂક બાઈન્ડિંગ સહિતની સામગ્રી હસ્ત નિર્મિત છે. ગાંધીજીની સુક્ષ્મ આત્મકથાને ગિનિઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોમિનેશન મળ્યું છે. અગાઉ નિકુંજ વાગડીયા દ્વારા વિશ્વની સૌથી નાની હનુમાન ચાલીસા બનાવવામાં આવી હતી. આ હનુમાન ચાલીસાને ગિનિઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું હતું.
700 જેટલા સુક્ષ્મ પુસ્તકો બનાવ્યાઃ રાજકોટના આ શિક્ષકે અત્યાર સુધીમાં 700 જેટલા વિવિધ સુક્ષ્મ પુસ્તકો તૈયાર કર્યા છે. જેમાં મુખ્યત્વે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા રામાયણ, મહાભારત, ભાગવત ગીતા, કુરાન સહિતના ગ્રંથોનો સમાવેશ થાય છે. નિકુંજ વાગડીયામાં આ કળા નાનપણથી જ વિકસી છે. તેમણે નાનપણમાં ચોખા પર મહા પ્રભુજી અને શ્રીનાથજી બનાવ્યા હતા. જ્યારે તેમણે મિનિએચર રાઈટિંગ અંગે જાણ્યું ત્યારે તેમનો શોખ તેમની પેશન બની ગયો. તેમણે નોર્મલ પેન્સિલ વડે ખૂબજ સૂક્ષ્મ રીતે લખીને સુક્ષ્મ કદના પુસ્તકો તૈયાર કર્યા છે.