- રાજકોટમાં પ્રાથમિક સુવિધાના અભાવે લોકોમાં રોષ
- લોકોએ થાળી વગાડી તંત્રને જગાડવાનો કર્યો પ્રયાસ
- પાંચ નવા ગામોમાં કોર્પોરેશનમા ભેળવવામાં આવ્યા
રાજકોટ : શહેરના માધાપર ગામના સ્થાનિકો દ્વારા પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને મહાનગરપાલિકા સામે વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિકોએ થાળી વગાડીને મનપા તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમજ મહિલાઓ અને પુરૂષોએ મોટી સંખ્યામાં એકઠા થઈને પ્રાથમિક સુવિધાઓની માંગ કરી હતી.
સ્થાનિકોની મુખ્ય માંગણીઓ
રાજકોટ મહાનગરપાલિકામાં સમાવેશ કર્યા બાદ પણ માધાપર સહિતના ગામોમાં એક પણ રોડ રસ્તાઓ નવા બન્યા નથી. જ્યારે ભૂગર્ભ ગટર, લાઈટ, પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે. જેનો લાભ તાત્કાલિક આપવાની સ્થાનિકો માંગ કરી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી આગામી દિવસોમાં આવનાર છે. ત્યારે ચૂંટણી પહેલા રાજકોટ કોર્પોરેશનની હદમાં પાંચ નવા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં માધાપર, ઘંટેશ્વર, મોટામોટા, મુંજકા સહિતના ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વર્ષ 2015 કોઠારીયા અને વાવડી વિસ્તારને પણ કોર્પોરેશનમા ભેળવવામાં આવ્યા હતા.
વર્ષ 2015માં ભળેલા વાવડી- કોઠારીયામાં પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ
સ્માર્ટ સિટીની વાતો કરતા રાજકોટ કોર્પોરેશન દ્વારા પોતાની હદ વધારવા માટે રાજકોટની આસપાસના ગામોને મનપામાં ભેળવામાં આવે છે, પરંતુ મનપામાં ભળ્યા બાદ પણ આ ગામોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે. વર્ષ 2015માં રાજકોટ મનપા દ્વારા વાવડી- કોઠારીયા વિસ્તારોને પણ કોર્પોરેશનમાં ભેળવવામાં આવ્યા હતા. પરંતુ હજુ સુધી અહીં પણ રોડ રસ્તા, લાઈટ, પાણી , ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે.