રાજકોટ : રાજકોટ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો અગાઉ જ્યારે ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું નહોતું, તે સમયે મુંબઈ રાજ્યમાં જ સૌરાષ્ટ્રનો સમાવશે થયો હતો. ત્યારે રાજકોટ બેઠકને મધ્ય સૌરાષ્ટ્ર લોકસભા બેઠક તરીકે ઓળખવામાં આવતી હતી. વર્ષ 1951માં યોજાયેલી પ્રથમ લોકસભાની ચૂંટણીમાં રાજકોટ બેઠક પરથી કોંગ્રેસના જેઠાભાઈ જોશી વિજેતા થયા હતા. ત્યારબાદ વર્ષ 1957માં કોંગ્રેસના મનુભાઈ શાહ, 1962ના કોંગ્રેસના ઉચ્છરંગ રાય ઢેબર, 1967માં મિનુ મસાણીની સ્વતંત્ર પક્ષ માંથી જીત થઈ હતી. આ અગાઉ રાજકોટ લોકસભા બેઠક કોંગ્રેસ જીત્યું હતું. પરંતુ મીનુ મસાણીએ સ્વતંત્ર પક્ષમાંથી જીતીને રાજકોટ લોકસભા બેઠકનો ઇતિહાસ બદલી નાખ્યો હતો. જો કે વર્ષ 1971માં કોંગ્રેસના ઉમેદવાર ઘનશ્યામભાઈ ઓઝાએ સ્વતંત્ર પક્ષના મીનુ મસાણીને હરાવ્યા હતા.
આગામી દિવસોમાં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાતમાં કયાં પ્રકારના રોકાણની વાત સામે આવે છે. જેમાં એલોન મસ્ક અને ટેલ્સાનો પ્લાન્ટ આવવાની વાતો છે. તેમજ ગિફ્ટ સિટીમાં દારૂબંધીની છૂટ આપવામાં આવી છે આ બધા મુદ્દાઓ એવા છે જે શહેરી વિસ્તારમાં રહેતા લોકોને તે સ્પર્શે છે. જ્યારે ગુજરાતની 26 લોકસભા બેઠકો છે તે પણ ક્યાંકને ક્યાંક શહેરો સાથે સંકળાયેલી છે. જેને લઇને 26માંથી એક પણ બેઠક ભાજપ ઓછી થવા દે તેવી સ્થિતિ જોવા મળતી નથી. આ સાથે જ રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ લોકસભા બેઠક એ જનસંઘના સમયથી ભાજપનો ગઢ માનવામાં આવે છે. એવામાં રાજકોટમાં ભાજપ દ્વારા ક્યો નવો ચહેરો લઈને આવે છે તેના પણ સૌની નજર રહેશે. જ્યારે સૌરાષ્ટ્રની સૌથી વધુ રસાકસી વાળી બેઠકની વાત કરવામાં આવે તો તે બેઠક જામનગરની માનવામાં આવે છે કારણ કે જામનગરમાં જે વિવાદો ધારાસભ્ય રિવાબા જાડેજા અને સાંસદ સભ્ય પૂનમબેન માડમના સમે આવ્યા હતા ત્યારબાદ આહીર સમાજ દ્વારા જે મહારાસ યોજીને સમાજનું શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં માટે આ બેઠક પર જ સૌની નજર રહેલી છે. - હિમાંશુ ભાયાણી, વરિષ્ઠ પત્રકાર
રમાબેન માવાણી પ્રથમ મહિલા સાંસદ બન્યા : 1977માં ફરી એક વખત રાજકોટ લોકસભા બેઠકનો ઇતિહાસ બદલાયો હતો. જેમાં ભારતીય લોકદળ પક્ષના કેશુભાઈ પટેલ જીત્યા હતા અને સામે કોંગ્રેસના ઉમેદવાર અરવિંદ પટેલની હાર થઈ હતી. ત્યારબાદ ફરી એક વખત આ બેઠક પર 1980માં ચૂંટણી યોજાઈ હતી અને કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઈ માવાણીની જીત થઈ હતી. જ્યારે 1984માં રામજીભાઈ માવાણીના પત્ની રમાબેન માવાણી પણ કોંગ્રેસમાંથી આ બેઠક પરથી ચૂંટણી લડ્યા અને તેઓ જીત્યા હતા. તેમજ રાજકોટ લોકસભા બેઠકમાં પ્રથમ વખત મહિલા ઉમેદવારની જીત નોંધાઈ હતી. ત્યારબાદ 1989માં શિવલાલ વેકરીયા ભાજપમાંથી જીત્યા હતા અને કોંગ્રેસના ઉમેદવાર રમાબેન માવાણીની હાર થઈ હતી. જ્યારે ફરી એક વખત 1991માં રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર શિવલાલ વેકરીયાએ રાજકોટના રાજવી મનોહરસિંહ જાડેજા જેઓ કોંગ્રેસથી લડ્યા હતાં તેમને આ બેઠક પર હરાવ્યા હતા. જ્યારે વર્ષ 1996થી આ બેઠક પર ભાજપના ઉમેદવાર વલ્લભભાઈ કથીરીયા સત્તત જીત્યા હતા. ત્યારબાદ વર્ષ 2009માં કોંગ્રેસના કુંવરજી બાવળિયા જીત્યા હતા.
સતત બે ટર્મથી ભાજપની જીત : રાજકોટ લોકસભા બેઠક પર છેલ્લી બે ટર્મથી એટલે કે વર્ષ 2014 અને 2019માં ભાજપના મોહન કુંડારિયા જીત્યા છે. તેમજ આ વખતે ભાજપ દ્વારા મોહન કુંડારિયાને રીપીટ કરવામાં આવે તેવી કોઈ શક્યતાઓ નથી. બીજી તરફ રાજકોટ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ ક્યાં નવા ચહેરાને સ્થાન આપશે તે પણ જોવાનું રહેશે. લોકસભાની ચૂંટણી મામલે વરિષ્ઠ પત્રકાર હિમાંશુ ભાયાણીએ ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપને જે 156 બેઠક મળી છે તે એક બેઝ ભાજપ પાસે રહ્યો છે. જેમાં કાર્યકર્તાઓથી માંડીને વોટરોનો સમાવેશ થાય છે. જેના કારણે ગુજરાતની 26માંથી 26 બેઠકોને તેમના દ્વારા મેન્ટન કરવાનો પૂરેપૂરો પ્રયાસ રહેશે. જ્યારે છેલ્લા કેટલાક સમયથી આપ ના ભૂપત ભાયાણી અને ચૈતર વસાવા મામલે વિગતો જોઈ, તે જોઈને લાગી રહ્યું છે કે જેમની પાસે જનાદેશ છે તે નેતાઓને ભાજપ દ્વારા લેવામાં આવી રહ્યા છે.