રાજકોટ: હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર અને આસપાસના પંથકની અંદર બુધવારે સવારથી જ વરસાદી વાતાવરણ શરૂ થયું છે. જેને લઇને ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો પર ઘૂંટણ સમા વરસાદી પાણી વહેતા થયા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. તો બીજી તરફ ભારે વરસાદના કારણે ઉપલેટાના ગાયત્રી આશ્રમ ગધેથડ પાસે આવેલ વેણુ-2 ડેમની જળ સપાટીમાં વધારો થતા ડેમના 19 દરવાજા 18 ફૂટ ખોલી નદીકાંઠાના ગામોને અલર્ટ કરી દેવાયા છે.
"વેણુ બેડેમના ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે તેમની જળ સપાટીમાં એકાએક વધારો થયો હતો જેમાં રૂરલ લેવલ મુજબ ડેમ સો ટકા ભરાયેલ હોવાના કારણે અને ડેમની જળ સપાટીમાં એકાએક વધારો થતા વેણુ બે ડેમના 19 દરવાજા 18 ફૂટ ખોલી અને વેણુ નદીકાંઠાના ગ્રામ્ય વિસ્તારોને એલર્ટ કરી દીધા હતા. ડેમમાં પાણીની આવક અંગેની માહિતી આપતા તેમને જણાવ્યું હતું કે, ડેમમાં 1,42,756 ક્યુસેક પાણીની આવક સામે 1,42,746 પાણીની જાવાક હતી"-- ચેતન યોગાનંદી (ઇજનેર )
રૂરલ લેવલ મુજબની સપાટી: ઉપલેટામાં પડેલા વરસાદ બાદ રવિવારના ડેમની જળ સપાટીમાં વધારો થતા ગાયત્રી આશ્રમ ગધેથળ પાસે આવેલા વેણુ બે ડેમની રૂરલ લેવલ મુજબની સપાટી સો ટકા ભરાઈ જતા બુધવારે સાંજે સાત કલાકે ડેમના 19 દરવાજા 18 ફૂટ જેટલા ખોલવામાં આવેલ. ડેમના હેઠવાસમાં આવતા ઉપલેટા તાલુકાના ગધેથડ, વરજાંગજાળીયા, મેખાટીંબી, નાગવદર અને નિલાખા તેમજ વેણુ નદી કાંઠાના તમ ગામોના લોકોએ નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવર-જવર નહિ કરવા તેમજ સાવચેત રહેવા રાજકોટ ફ્લડ સેલની યાદીમાં જણાવ્યું છે.
ગ્રામજનોની ચિંતામાં: વેણુ બે ડેમની જળ સપાટીમાં વધારો થયા બાદ ડેમના દરવાજા ખોલાતા વેણુ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. જેમાં ઘોડાપૂર આવવાના કારણે વેણુ નદી કાંઠે આવેલા ઉપલેટા તાલુકાના નિલાખા ગામે આવન-જાવન માટેનો હાઇવેથી ગામ સુધીના રસ્તા પર નદીનું પાણી ઘૂસ્યું હતું. પાણી ઘૂસવાના કારણે રસ્તો પાણીમાં ગરકાવ થયો હતો. રસ્તો પાણીમાં ગરકાવ થવાના કારણે આવન-જાવન માટેનો રસ્તો બંધ થઈ જતા ગામ સંપર્ક વિહોણો પણ બન્યું હતું. આ સાથે બીજી તરફ રાત્રિના નદીનું પાણી રાત્રિના ગામમાં ઘૂસવાનું શરૂ થતા ગ્રામજનોની ચિંતામાં પણ વધારો થયો હતો.