રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકાની બિગ બજાર પાછળ આવેલી વેસ્ટઝોન કચેરીમાં દારૂની ખાલી બોટલોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જ્યારે મહાનગરપાલિકાની કચેરીમાં દારૂની બોટલનો વિડીયો વાયરલ થતા હાહાકાર મચી જવા પામ્યો હતો. આ સાથે જ વીડિયોને લઈને સવાલો ઊભા થયા હતા કે કચેરીની અંદર મહેફિલો માણવામાં આવી રહી છે. જ્યારે આ સમગ્ર મામલો મહાનગરપાલિકાના કમિશનરને ધ્યાને આવતા તેમના દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો : રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયો
કચેરી અંદર દારૂની મહેફિલ માણવામાં આવી હોવાની ચર્ચા : મહાનગરપાલિકાની વેસ્ટ ઝોન કચેરીમાંથી વિદેશી દારૂની ખાલી બોટલો અને સોડાની બોટલો મળી આવી હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જોકે આ વિડીયો વાયરલ થતા જ વેસ્ટ ઝોન કચેરીમાં મહેફિલ થતી હોવાની ચર્ચાઓ સામે આવી છે. જ્યારે મહાનગરપાલિકાની વેસ્ટઝોન કચેરીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ટાઉન પ્લાનિંગ શાખા નજીકના જેન્ટસ યુરિનલ પાસે આજે સવારે દારૂની ખાલી બોટલ પડી હોવાનો વિડીયો વાયરલ થયો હતો. જેને લઈને મહાનગરપાલિકામાં પણ હાહાકાર માંથી જવા પામ્યો હતો. આ સમગ્ર મામલે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરાએ તાત્કાલિક તપાસના આદેશ આવ્યા છે.
આ પણ વાંચો Surat : દારૂ પીને બસ ST ચલાવનારા તેમજ અનિયમિત કંડકટરને કર્યા ઘર ભેગા
CCTV કેમેરાના આધારે થશે તપાસ : રાજકોટ મહાનગરપાલિકાની કચેરીમાં જ વિદેશી દારૂની બોટલો મળી આવતા ચકચાર મચી ગઈ હતી. જ્યારે આ મામલે મહાનગરપાલિકાના કમિશનર દ્વારા તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. જેને લઇને રાજકોટ મનપાના વિજિલન્સ ડીવાયએસપી દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે જ મહાનગરપાલિકાની કચેરીમાં લગાવવામાં આવેલા CCTV ફૂટેજની પણ ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ ડીવાયએસપી દ્વારા મનપા કમિશનરને આ સમગ્ર ઘટનાનો રિપોર્ટ આપવામાં આવશે. એવામાં વીડિયોને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે કે મહાનગરપાલિકાની અંદર પણ મહેફિલો થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, એક તરફ પોલીસ નશાના દુષણને અટકાવવા મહેનત કરી રહી છે. ત્યારે બીજી તરફ મહાનગરપાલિકાની વેસ્ટ ઝોન કચેરીમાં જ આ પ્રકારના દ્રશ્યો સામે આવતા સવાલો ઉભા થાય છે. આ વિડીયો પુષ્ટિ ETV Bharat કરતું નથી.