રાજકોટ : જસદણ-વીંછીયા પંથકમાં છેલ્લા ઘણા સમયથી બેરોકટોક ગાંજાનું વાવેતર થઇ રહ્યું છે ત્યારે આ મામલે રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા અવાર-નવાર ખેતરમાં દરોડો પાડી ગાંજાનું વાવેતર પકડી રહી છે. ત્યારે રાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકાના નાનામાત્રા ગામે વિનુ ઉર્ફે વિના મશરૂ ગાંભડિયા નામના ખેડૂતે તેના ખેતરમાં મોટા પાયે ગાંજાનું વાવેતર કર્યાની રાજકોટ ગ્રામ્યની એસઓજી પોલીસ ટીમના હેડ કોન્સ. જયવીરસિંહ રાણા, ભગીરથસિંહ જાડેજા, અરવિંદભાઇ દાફડાને ચોક્કસ માહિતી મળી હતી. જે માહિતીના આધારે ઇન્ચાર્જ પી.આઇ. બી. સી. મિયાત્રા સહિતના સ્ટાફે વીંછિયાના નાનામાત્રામાં દરોડો પાડ્યો હતો અને મુદામાલ સાથે એક ઈસમને કબજે કર્યો છે.
કુલ 36 નંગ છોડ ઝડપી પાડ્યા : આ મામલે માહિતી આપતા રાજકોટ રૂરલ એસઓજી ઇન્ચાર્જ પી.આઇ. બી.સી.મિયાત્રાએ જણાવ્યું છે કે, અમારી ટીમ વિંછીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે અમારા સ્ટાફને સંયુક્ત વાતની મળી હતી જેમાં રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકાના નાના માત્રા ગામનો વિનુભાઈ ઉર્ફે વિનાભાઈ મશરૂભાઈ ગ્રાંભડીયા નામના વ્યક્તિએ તેમના જમીનમાં એટલે કે વાડીમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થના છોડનું વાવેતર કરેલ છે તેવી હકીકતના આધારે જસદણ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરને સાથે રાખી બાતમીવાળી જગ્યા પર રેડ કરતા કુલ 36 નંગ છોડ ઝડપી પાડ્યા છે.
127 કિલો ગાંજાના છોડ કબજે : આ ઝડપાયેલા છોડનું કુલ વજન 127 કિલો છે અને તેની કિંમત 12 લાખ ઉપરાંત આંકવામાં આવી છે ત્યારે આ રેડમાં કુલ 12,75,000 ના મુદ્દા માલ સાથે ઝડપાયેલા વ્યક્તિની અટકાયત કરી તેમની સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. દરોડા દરમિયાન વાડીમાંથી વિનુ ઉર્ફે વિનો મળી આવ્યો હતો જ્યારે વાડીની તલાશી લેતા શંકાસ્પદ લીલા છોડ મળી આવ્યા હતા. આ બાબતમાં પ્રાથમિક તપાસ કરતા લીલા છોડ ગાંજાના હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે બાદમાં વાડીમાંથી રૂ.12.70 લાખની કિંમતના 127 કિલો કબજે કર્યો હતો.
એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો : ઉપલેટા પોલીસે વિનુ ઉર્ફે વિનાનો મોબાઇલ કબજે લઇ વીંછિયા પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો. ગાંજાનું વાવેતર કર્યા બાદ ખેડૂત વિનુ કોને જથ્થો આપતો હતો તે સહિતની વિગતો બહાર લાવવા માટે પોલીસે રિમાન્ડની તજવીજ હાથ ધરી છે ત્યારે આ ઉપરોક્ત કાર્યવાહીમાં જસદણ સર્કલ ઇન્સ્પેક્ટર એચ.એન.રાઠોડ પણ જોડાયા હતા અને હાલ આ મામલાની અંદર ઊંડાણ પૂર્વકની પૂછતાછ અને તપાસ શરૂ કરવામાં આવી છે.