રાજકોટ: હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર અને આસપાસના પંથકની અંદર રવિવારે સવારથી જ વરસાદી વાતાવરણ શરૂ થયું છે. જેને લઇને ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો પર ઘૂંટણ સમાવ વરસાદી પાણી વહેતા થયા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. બીજી તરફ ભારે વરસાદના કારણે ઉપલેટાના મોજ તેમજ વેણુ-2 ડેમની જળ સપાટીમાં વધારો થતા બંને ડેમોના દરવાજા ખોલી નદીકાંઠાના ગામોને અલર્ટ કરી દેવાયા છે.
તંત્ર દ્વારા એલર્ટ: ઉપલેટામાં પડેલા વરસાદ બાદ રવિવારના ડેમની જળ સપાટીમાં વધારો થતા ગાયત્રી આશ્રમ ગધેથળ પાસે આવેલા વેણુ બે ડેમની રૂરલ લેવલ મુજબની સપાટી 100 ટકા ભરાઈ જતા બપોરના દોઢ કલાકે ડેમના બે દરવાજા એક ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે. તેમાંથી 1426 પાણીની આવક સામે જાવક છે. આ સાથે બીજી તરફ મોજીરા ગામ પાસે આવેલા મોજ ડેમની જળ સપાટીમાં વધારો થતા મોજ ડેમના અઢાર દરવાજા સાડા ચાર ફૂટ બપોરના ચાર વાગ્યે ખોલવામાં આવ્યા છે. જેમાં 20160 પાણીની આવક અને જાવક હોવાનું ડેમ સાઈડના ઇજનેરો દ્વારા જણાવવામાં આવ્યું છે. મોજ તેમજ વેણુ નદી કાંઠાના અને નીચાણવાળા વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને લોકોએ નદીના પ્રવાહમાં તેમજ પાણીમાં કોઈપણ પ્રકારનું જોખમનો ખેડવું તેવી પણ સૂચનાઓ આપી છે.
ક્યાં કેટલો પડ્યો વરસાદ?: રાજકોટ જિલ્લામાં સિઝનનો સૌથી વધુ વરસાદ ઉપલેટામાં 33.2 ઈંચ નોંધાયો છે. સૌથી ઓછો વરસાદ વીંછીયામાં 8.28 ઈંચ પડ્યો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે રાજકોટ શહેર અને જિલ્લાની અંદર 9 જુલાઈ 2023 ના રોજ બપોરના 04:00pm વાગ્યા સુધીમાં પડેલા વરસાદ અંગેની રાજકોટ કંટ્રોલરૂમ દ્વારા આપવામાં આવેલી આંકડાકીય માહિતીઓ અનુસાર રાજકોટ જિલ્લાના પડધરીમાં 10.16 ઈંચ, રાજકોટ શહેરમાં 12.92 ઈંચ, લોધિકામાં 17.32 ઈંચ, કોટડા સાંગાણીમાં 19.76 ઈંચ, જસદણમાં 9.76 ઈંચ, ગોંડલમાં 18 ઈંચ, જામકંડોરણામાં 30 ઈંચ, ઉપલેટામાં 33.2 ઈંચ, ધોરાજીમાં 30.16 ઈંચ, જેતપુરમાં 30.2 ઈંચ, વિછીયામાં 8.28 ઈંચ વરસાદ પડ્યો હોવાની માહિતીઓ આપવામાં આવી છે.