રાજકોટ : હવામાન વિભાગની આગાહી મુજબ રાજકોટમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. જેમાં રાજકોટ જીલ્લામાં રાજકોટ શહેર, ગોંડલ, જસદણ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, પડધરી સહિતના તમામ તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો.
કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી : રાજકોટ જિલ્લામાં રવિવારે સવારે પડેલ કમોસમી વરસાદમાં ક્યાંક ધોધમાર વરસાદ તો ક્યાંક ધીમીધારે વરસાદ પડ્યો છે. આ ઉપરાંત ઘણા તાલુકાના અને ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ પણ નોંધાયો છે. ત્યારે આ કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
આ ધાન્ય પાકને નુકસાન થશે : કરા પડવાના કારણે શિયાળુ પાકને ભારે નુકશાની થવાની ચિતા ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં હાલ ધાણા, ચણા, ઘઉં, જીરૂં, તેમજ ખેતરમાં પડેલા તૈયાર મોલમાં કમોસમી વરસાદથી નુકશાની થવાના એંધાણ સામે આવ્યા છે. ત્યારે શિયાળુ અને ચોમાસા બાદ તૈયાર થયેલ મોલ સહિતના પાકમાં નુકસાનીની ભીતિ સર્જાઈ છે.
રાજકોટમાં કાશ્મીર જેવું વાતાવરણ જોવા મળ્યું : રાજકોટ શહેર અને જિલ્લામાં રવિવારે વહેલી સવારના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ત્યારે આ તકે કેટલાક વિસ્તારોમાં થોડીવાર માટે સવારે જાણે રાત જેવું અંધારું જોવા મળ્યું હતું. રાજકોટ જિલ્લામાં રવિવારે સવારથી કમોસમી વરસાદ પડ્યો છે, જેમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો છે અને સાથે જ ઘણા વિસ્તારોમાં કરા પડતા લોકો કરા સાથે આનંદ માણતા પણ જોવા મળ્યા હતા.