રાજકોટ: સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં આંતરરાષ્ટ્રીય માતૃ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી છે. આજે રાજકોટ પોલીસ દ્વારા શહેરમાં માતાઓ માટે અનોખી વોકાથોન યોજવામાં આવી હતી. જેમાં ભાગ લેનાર તમામ માતાઓએ પટોળા અને બાંધણી પહેરીને આવવાનું હતું. રાજકોટની અંદાજિત 3,000 કરતા વધુ માતાઓ આ વોકાથોનમાં જોડાઈ હતી અને રેસકોસ રીંગરોડને સર્કલને ફરતે વોક કરી હતી.
અનોખી વોકાથોન: રાજકોટમાં પ્રથમ વખત માતૃ દિવસના દિવસે આ અનોખી ઉજવણી થઈ હતી. રાજકોટ પોલીસ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વહેલી સવારથી જ મોટા પ્રમાણમાં માતાઓ બાંધણી અને પટોળા સાથે ઉમટી પડી હતી અને વોક કરતી નજરે પડી હતી. પોલીસ હેડ કવાટર ખાતેથી આ વોકાથોનનું પ્રસ્થાન કરાવ્યું હતું.
'આંતરરાષ્ટ્રીય માતૃ દિવસને લઈને આજે રાજકોટ શહેર પોલીસ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. વોકાથોન પોલીસ હેડ ક્વાર્ટરથી રેસ કોર્સ રિંગ રોડ સર્કલને ફરતે યોજાઇ હતી. પોલીસે દ્વારા યોજવામાં આવેલો કાર્યક્રમ સફળ રહ્યો છે. જેના માટે હું તમામ માતાઓને અભિનંદન પાઠવું છું. આજનો દિવસનું ખૂબ જ મહત્વ રહેલું છે કારણ કે એક માતાનું પોતાના પરિવારમાં એક અનોખું સ્થાન હોય છે. જેની અમે ઉજવણી કરી હતી.' -રાજુ ભાર્ગવ, રાજકોટ પોલીસ કમિશનર
સ્પેશિયલ ઘોડાગાડીની વ્યવસ્થા: આ કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકોની માતાઓ દ્વારા વિશેષ ડાન્સ રજૂ કરવામાં આવ્યો હતો. આ ડાન્સ જોઈને કાર્યક્રમમાં હાજર સૌ કોઈ ભાવુક થઈ ગયા હતા. આ ડાન્સમાં દિવ્યાંગ બાળકોની માતાની પડતી વ્યથાને વાચા આપવામાં આવી હતી. આ વોકાથોનને ફ્લેગ ઓફ આપવામાં આવ્યુ હતું. આ વોકાથોનમાં દિવ્યાંગ બાળકોની માતા માટે સ્પેશિયલ ઘોડાગાડીની વ્યવસ્થા કરવામાં આવી હતી.