રાજકોટઃ શહેરમાં આજે અલગ અલગ વિસ્તારના 69 જેટલા દર્દીઓના કોરોના રિપોર્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી બે મહિલા દર્દીઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જ્યારે 66 જેટલા દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.
આ ઉપરાંત ભુજ જિલ્લાનો રિપોર્ટ હજુ પેન્ડીંગ છે. જે મહિલાઓના કોરોના પોઝિટિવ આવ્યા છે તે બન્ને મહિલા રાજકોટના જંગલેશ્વર વિસ્તારની છે અને સામ સામેની શેરીઓમાં રહે છે. બે દર્દીઓમાં એક મહિલાની ઉંમર 65 વર્ષ જ્યારે બીજીની 35 વર્ષની છે. હાલ બન્ને મહિલા દર્દીઓને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી જ ચાર જેટલા પોઝિટિવ કોરોના સામે આવ્યા છે. જેને લઈને રાજકોટમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 13 સુધી પહોંચી છે. જેમાંથી એક કેસ રાજકોટ ગ્રામ્ય વિસ્તારનો જોવા મળ્યો છે.
મહત્વનું છે કે રાજકોટમાં અત્યાર સુધીમાં ચાર જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.