રાજકોટ: બીપોર જોય વાવાઝોડાની પગલે રાજકોટમાં ગઈકાલ મોડી રાત્રે જ વરસાદ ચાલુ છે. ભારે પવન સાથે અત્યાર સુધીમાં રાજકોટ શહેરમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. એવામાં રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાના ઉપલેટામાં 6 ઇંચ, જ્યારે ધોરાજીમાં 4 ઇંચ અને જામકંડોળામાં 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજકોટ જિલ્લામાં વરસાદ આવતાં નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જ્યારે ભારે વરસાદની આગાહીને પગલે અગાઉથી જ તંત્ર એલર્ટ જોવા મળ્યું હતું. જોકે હજુ સુધી આ વરસાદમાં કોઈ મોટી જાનહાની સર્જાઈ નથી પરંતુ રાજકોટ જિલ્લામાં હજુ પણ ધીમીધારે વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે.
વરસાદ નોંધાયો: રાજકોટ જિલ્લામાં બિપોર જોય વાવાઝોડાને પગલે રાત્રિના બે વાગ્યાથી સતત ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. જ્યારે પવન સાથે આ વરસાદ પડી રહ્યો હોય એવામાં રાજકોટ શહેરમાં રાત્રિના 2 વાગ્યાથી 9 વાગ્યા સુધીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. બીજી તરફ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો ઉપલેટામાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. એવામાં ધોરાજીમાં 4 ઇંચ અને જામકંડોળામાં 3.5 વરસાદ નોંધાયો છે.
નીચાણવાળા વિસ્તારોમાં પાણી: ભારે વરસાદને પગલે જિલ્લાના નાના-મોટા ડેમોમાં પણ નવા નીરની આવક થઈ છે. જેના કારણે ડેમોની આસપાસ રહેતા લોકોને પણ તંત્ર દ્વારા સતત સાવચેત રહેવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે. હવામાન વિભાગની આગાહીને પગલે હજુ પણ રાજકોટમાં આગામી સમયમાં ભારે વરસાદની શક્યતાઓ છે. એવામાં તંત્ર દ્વારા પણ હાલ વરસાદ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાંરાજકોટ શહેરમાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
કોર્પોરેશન દ્વારા બંધ: જેમાં લક્ષ્મીનગરનું નાળું, મવડી, વાવડી, પુનીતનગર, 150 ફૂટ રીંગ રોડ સહિતના વિસ્તારોમાં ગોઠણ સુધીના પાણી ભરાયા છે. જ્યારે તંત્ર દ્વારા હાલ આ પાણી દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભારે વરસાદ અને પવનના ભારે પવન અને વરસાદના કારણે શહેરના અલગ અલગ વિસ્તારોમાં વૃક્ષો ધારાશાહી થવાની પણ ઘટનાઓ સામે આવી રહી છે. તેમજ શહેરમાં વીજ તંત્ર પણ વીજ પુરવઠો પણ ખોરવાયો છે. એવામાં આજે રાજકોટ જિલ્લામાં શાળા કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે. આ સાથે જ કોર્પોરેશન સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝુ, મહાત્મા ગાંધી મ્યુઝિયમ, ઈશ્વરીયા પાર્ક કોર્પોરેશન દ્વારા બંધ જાહેર કરવામાં આવ્યા છે.