રાજકોટ: જસદણની ગેબનશા સોસાયટીમાં થોડાક દિવસ પહેલા વહેલી સવારમાં ઇકો કાર ગાડીમાં આવેલા અજાણ્યા શખ્સો બંધ મકાનના તાળા તોડીને મકાનમાં પ્રવેશ કરી કબાટની તિજોરીમાંથી એક લાખ ચાલીસ હજાર આઠસો રૂપિયાના સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ લઈને ફરાર થઈ ગઈ હતા. મકાન માલિક દ્વારા જસદણ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધવામાં આવી હતી. જેને પગલે જસદણ પોલીસે ઘરફોડ ચોરી કરતી ચીકલીગર ગેંગના પાંચ આરોપીની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
CCTVના આધારે આરોપીની ઓળખ: જસદણ પોલીસ દ્વારા આજુબાજુના મકાનના સીસીટીવી કેમેરા ચેક કરતા ઇકો કાર ગાડીમાં આવેલ ચોરીને અંજામ આપનાર અજાણ્યા શખ્સો કેમેરામાં કેદ થયા હતા. જસદણ પોલીસ સ્ટેશનના PIએ અલગ અલગ ટીમ બનાવી તાત્કાલિક ચોરીને અંજામ આપનાર ચોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. તેમની ટીમ દ્વારા ટોલનાકાએ તપાસ કરતાં સીસીટીવી કેમેરામાં ગાડી વડોદરા બાજુ જતી હોય તેવું જોવા મળ્યું હતું. ગુનાના કામમાં વપરાયેલ ઇકો કાર અને આરોપીઓ સુરત શહેરમાં છે તેવી બાતમી મળતાં જસદણ પોલીસ દ્વારા સુરત અને વડોદરાથી પાંચ આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા. આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તેઓ ચીકલીગર ગેંગના સાગરીતો છે.
આરોપીઓના બે દિવસના રિમાન્ડ: પોલીસ દ્વારા ઝડપાયેલા પાંચ આરોપીઓ પ્રેમ સિંગ સતનામસિંગ, સોનુ સિંગ બલવીર સિંગ, રાહુલ સિંગ અજીત સિંગ, શેરા સિંગ મોતીસિંગ, જતીન વિષ્ણુ પાટીલ રીઢા ગુનેગારો છે. તેમના વિરોધમાં અનેક પોલીસ સ્ટેશનમાં અનેક ગુનાઓ નોંધાયેલા છે. જસદણ પોલીસની ટીમ દ્વારા આરોપીઓના કોર્ટમાં રિમાન્ડ માંગતા કોર્ટ દ્વારા બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. સાથે જ પોલીસે ચીકલીગર ગેંગના આરોપીઓ પાસેથી ઇકો કાર કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરી હતી.
કેવી રીતે કરતાં હતા ચોરી: ચીકલીગર ગેંગ રાત્રિના સમયે અલગ અલગ વિસ્તારમાં ફરીને બંધ મકાનને મારેલ તાળું જોઈને મકનના દરવાજાના નકુચા તોડીને મકાનમાં પ્રવેશ કરીને ઘરફોડ ચોરી કરતા હતા. ચીકલીગર ગેંગના આરોપીઓ વિરુદ્ધ વડોદરામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલ છે તેમજ સુરતમાં પણ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલ છે. સાથે જ હિંમતનગર અને નવસારી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે. હાલ તો ઘરફોડ ચોરી કરતી ચીકલીગર ગેંગના આરોપીને જસદણ પોલીસે ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.