રાજકોટઃ જસદણના આટકોટ રોડ બાયપાસ સર્કલ પાસે સોજીત્રા પેટ્રોલ પંપની બાજૂમાંથી પસાર થતા એક ટ્રકમાં હાર્દિક ડામોર(રહેવાસી-શંકરપુરા,જિલ્લો-દાહોદ) નામના આદિવાસી યુવાને આત્મહત્યા કરવા માટે ઝંપલાવ્યું હતું, પરંતુ સદનસીબે યુવાનનો જીવ બચી ગયો હતો. આ અકસ્માતમાં હાર્દિકના બન્ને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટના હાઈવે રોડ પર બની હોવાથી લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.
108ની મદદથી યુવાનને પ્રથમ જસદણની સરકારી હોસ્પિટલમાં અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની જાણ થતા જસદણ પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ યુવાને કયા કારણોસર આત્મહત્યાનું પગલું ભર્યું હતું તેનું કારણ હજૂ સુધી જાણવા મળ્યું નથી.