રાજકોટ: જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા સઘન વ્યવસ્થા અને નક્કર પ્રયાસ સાથે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા લેવાનાર ગ્રામ પંચાયત મંત્રી (તલાટી કમ મંત્રી)ની સ્પર્ધાત્મક પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. જેમાં 57,000 પૈકીમાંથી 40,617 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 16,382 પરીક્ષાર્થી ગેરહાજર રહ્યા હતા. પરીક્ષા દરમિયાન ચાર હજાર જેટલો સ્ટાફ ખડેપગે રહ્યો હતો.
તંત્ર ખડેપગે: રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી અને રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી કડક બંદોબસ્તના નિરીક્ષણ અર્થે રીસિવિંગ અને ડીસ્પેચિંગ સેન્ટર સરોજિની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. પરીક્ષા દરમિયાન જી.પી.એસ ટ્રેકિંગ સિસ્ટમ રૂમની મુલાકાત લઈ પરીક્ષા કેન્દ્ર ઉપર પ્રશ્નપત્ર પહોંચાડવાની કામગીરી સુચારુ રૂપે થઈ રહી છે કે નહીં તે સુનિશ્ચિત કર્યું હતું.
કડક બંદોબસ્ત: ઉલ્લેખનીય છે કે, રિસિવિંગ અને ડીસ્પેચિંગ સેન્ટરેથી જ કોઈપણ પ્રકારની ગેરરીતિ આચરવાનો અવકાશ ન મળે તેવા કડક બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. બંદોબસ્ત વચ્ચે સુપર વાઈઝર, વીડિયોગ્રાફર, ફોટોગ્રાફર અને પોલીસકર્મી સહિતની બનેલી ટીમ દ્વારા જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ સાથે 97 જેટલા રૂટના 197 કેન્દ્રો ઉપર પ્રશ્નપત્રો પહોચાડવામાં આવ્યા હતા.
Talati Exam 2023: પીઠી ચોળી 150 કિ.મી. દૂર તલાટીની પરીક્ષા આપવા પહોંચી ફાલ્ગુની
વહીવટી તંત્ર દ્વારા સતત મોનીટરીંગ: પરીક્ષા કેન્દ્ર સુધી પ્રશ્ન પત્ર સુરક્ષિત ન પહોંચે ત્યાં સુધી વહીવટી તંત્ર દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. પરીક્ષા કેન્દ્ર ઉપર પરીક્ષાર્થીઓને કોઈ અગવડતા ન પડે તેનું ખાસ ધ્યાન રાખીને નીતિ નિયમો મુજબની પ્રવેશ પ્રક્રિયા દ્વારા પરીક્ષાર્થીઓના કોલ લેટર, આઈ. ડી. પ્રૂફ ચકાસીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ તકે પરીક્ષા સફળતાપૂર્વક લઈ શકાય તે માટે અધિકારીઓ, કર્મચારીઓ સહિત ચાર હજાર જેટલો સ્ટાફ ખડેપગે રહ્યો હતો.