રાજકોટઃ અંગ્રેજીમાં એક શબ્દ છે ‘ફસ્ટ ક્રાય’ એટલે કે બાળકનું પ્રથમ રૂદન. નવજાત બાળકનું રૂદન માનવજાતને એક નવી આશાના કિરણ સાથે ઉજ્જવળ ભાવીનો સંકેત આપે છે. રાજકોટની સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડના મેટરનિટી વિભાગમાં થતો ફર્સ્ટ ક્રાયનો અવાજ માનવજાતમાં કોરોના સામે લડવાની અને જીતવાની ઉમ્મીદનું એક નવુ કિરણ જગાડે છે.
માર્ચ મહિનાથી લઈને આજદીન સુધીમાં રાજકોટ જિલ્લાની ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલમાં કુલ 81 કોવિડ પોઝિટિવ સગર્ભાઓને સારવાર આપવામાં આવી છે. જે પૈકી 15 કોવિડ પોઝિટિવ સગર્ભા માતાઓની ડિલિવરી કરાવવામાં આવી છે. જેમાં 13 કોવિડ પોઝિટિવ સગર્ભા માતાઓની ડિલિવરી સિઝેરિયન પદ્ધતિથી કરાવવામાં આવી છે.
કોરોના સંક્રમિત માતા અવની પારેખ જણાવે છે કે, હું અહીંયા આવી પછી ઘણો બધો સપોર્ટ મળ્યો છે. ડૉક્ટર્સ, નર્સ અને હૉસ્પિટલ સ્ટાફ વગેરે તમામ ખુબ જ સપોર્ટિવ છે. અહીંયા લોકો મારી ખુબ જ કાળજી લે છે. મારૂ અહીંયા સિઝેરિયન થયું છે અને મને કોઈ પણ મુશ્કેલી નથી પડી. ડૉક્ટર્સની સારવારથી મેં એક બાળકને જન્મ આપ્યો છે. જેનું વજન પણ પોણાચાર કિલો જેટલું છે. તે એકદમ તંદુરસ્ત છે. હું એકદમ ખુશ છું, કેમ કે મારી સારવાર માટે ખાનગી હૉસ્પિટલે ખુબ જ વધારે ચાર્જ કહ્યો હતો. જે તમામ સારવાર મને અહીંયા એકપણ રૂપિયો ખર્ચ્યા વગર મળી છે.
અવની પારેખના પતિ જેનિષ પારેખ જણાવે છે કે, મારી વાઈફને પ્રેગ્નેન્ટ હતી અને તેની સારવાર અમે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા ત્યારે કોવિડ-19નો રિપોર્ટ પોઝિટિવ આવતા અમે થોડા ગભરાયા હતા. સરકારની ગાઈડલાઈન મુજબ ખાનગી હોસ્પિટલ કોરોના પોઝિટિવ માતાઓની પ્રસૃતિ કરાવી શકતું નથી. તેથી તાત્કાલીક અમે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થઈ ગયા. મારી પત્નીનો કેસ ક્રિટિકલ હતો. તે હાલ ડાયાબિટીસ, BP, હાયપર ટેન્શન, થાઈરોડ અને કોવિડ પોઝિટિવ જેવી બિમારીઓ સામે લડી રહી છે. આવી અનેક સમસ્યાઓમાં તેના મદદગાર થઈને સિવિલ હોસ્પિટલના ડૉક્ટર્સે ઉત્તમોત્તમ સારવાર આપી છે. અત્યારે મારી પત્નિ અને બાળકની તબિયત એકદમ તંદુરસ્ત છે. જેનો મને ખુબ આનંદ છે.
આ તકે એનેસ્થેસિયા નોડલ અધિકારી ડૉ. ચેતના જાડેજાએ જણાવ્યું હતું કે, હાલ રાજકોટ સિવિલમાં કોવિડ બિલ્ડીંગમાં એક અલાયદું ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યું છે. જેમાં માત્ર કોવિડના દર્દીઓના જ ઓપરેશન કરવામાં આવે છે. એકમાત્ર રાજકોટમાં જ આવી સુવિધા છે. જેમાં અદ્યતન સાધનો, મલ્ટીએરા મોનિટરિંગ સિસ્ટમ, એનેસ્થેસિયા મશીન, અત્યાધુનિક વેન્ટીલેટર સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ છે. અહીંયા અત્યાર સુધીમાં કુલ 14 પોઝિટિવ દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા છે. જે પૈકી 13 સિઝેરિયન કરવામાં આવ્યા છે.
એનેસ્થેસિયા વિભાગના સિનિયર રેસિડેન્ટ ડૉ. કૃપા પટેલે કહ્યું હતું કે, અવનીને હાઇપર ટેન્શન, ડાયાબિટીસ, BP, થાઈરોડ ઉપરાંત કોરોના જેવી ગંભીર બીમારી હતી. આવા સંજોગામાં તેમનું સિઝેરિયન કરવું ખુબ કાળજી માગી લે તેવુ હતું. તેમની હિંમત અને સહકારના લીધે અમે તેમની સફળતાપુર્વક ડિલિવરી કરાવી શક્યા છીએ. હાલમાં તેમની અને તેના બાળકની તબિયત એકદમ સ્વસ્થ છે. પોણા ચાર કિલોના તંદરસ્ત નવજાત બાળકના આગમનથી મારા સહિત હૉસ્પિટલ અને પ્રસૃતાના પરિવારજનોમાં જાણે નંદ ઘેર આનંદ ભયો જેવો આનંદ અને ઉત્સાહ છવાયો છે.