રાજકોટ: ઉપલેટા શહેરના કોલકી રોડ પર વેણુ સિંચાઈ યોજનાના છ લાખ લિટરના પાણીના ટેન્ક મૂકવામાં આવ્યા છે. આ પાણીના ટેન્કોથી લોકોને પાણી વિતરણ કરવામાં આવે છે. ત્યારે આ ટેન્ક છેલ્લા ઘણા સમયથી અતિ જર્જરિત હાલતમાં હોવાનું અને સ્ટોરેજ ટેન્કને તોડી પાડવા માટેની લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં કે કાર્યવાહી નહીં કરાતા આ ટેન્ક કે જે પાણીની ભરેલી હતી. તે ટેન્ક અચાનક ધ્વસ્ત થતાં આસપાસના વિસ્તારમાં પથ્થર તેમજ પાણીનો પ્રવાહ ફેલાયો હતો.
" વેણુ સિંચાઈના સ્ટોરેજ ટેન્ક છેલ્લા ઘણા સમયથી અતિ જર્જરિત છે. જેમાં આ ટેન્કો ગમે ત્યારે તૂટી પડસે અને મોટી દુર્ઘટના સર્જી શકે છે. તેવી દહેશતના કારણે જાગૃત નાગરિક તરીકે માજી સદસ્ય દ્વારા નગરપાલિકા તંત્ર, વહીવટ, મામલતદાર, કલેકટર અને પ્રાદેશિક કમિશનર સહિતનાઓને આ ટંકી અંગેની કાર્યવાહી કરવા અને તેમને તોડી પાડવા માટે લેખિત ફરિયાદ કરી છે. છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરતા પરિણામે આ ઘટના બની છે. જેથી આવી ઘટના બનશે અને કોઈને ઈજા પહોંચે કે કોઈનો જીવ જશે તો તેમના માટે જવાબદાર તંત્ર રહેશે તેવું જણાવ્યું છે."--રામાભાઇ રાણાભાઇ સોલંકી ( ઉપલેટા નગરપાલિકાના માજી સદસ્ય)
ભૂકંપ આવ્યો હોય તેવો અનુભવ: ઉપલેટા શહેરના કોલકી રોડ પર આવેલા બે પાણીની સ્ટોરેજ ટેન્કોમાંથી એક ટેન્ક બપોરના સમયે અચાનક તૂટી પડતાં જાણે ભૂકંપ આવ્યો હોય તેવો અનુભવ આસપાસના વિસ્તારના લોકોએ કર્યો હતો. અચાનક અવાજ આવ્યા બાદ લોકોના ઘરોમાં કાટમાળ ઉડીને આવ્યો હતો. પાણીનો પ્રવાહ પણ લોકોના ઘર વિસ્તાર તેમજ શેરી-ગલીઓમાં જોવા મળતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. તંત્રની ઢીલી નીતિ અને બેદરકારી તેમજ આળસના કારણે મોટી દુર્ઘટના બની છે. ત્યારે આ દુર્ઘટનામાં સદનસીબે આસપાસ કોઈ ન હોવાથી કોઈને ઈજા કે જાનહાની થઈ નથી.
લોકોના જીવ તાળવે ચોટયા: આ વિસ્તારના નાના બાળકોના વાલીઓમાં પણ ખૂબ જ ગભરામણ અને તેમના જીવ તાળવે ચોટયા હતા. જેમાં બપોરે બનેલી ઘટનામાં અધિકારીઓ રાત્રિના સમયે માત્ર પોતે અહીંયા આવ્યા છે. તેઓ દેખાવ કરી ચાલ્યા ગયા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. આ ઉપરાંત સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે પાણીઢોળ પત્યા બાદ અધિકારીઓ માત્ર ખરખરો કરવા અને દેખાવ કરવા માટે ઘટના સ્થળે આવ્યા હોય તેવી રીતે આવી ને જતા રહ્યા હતા. જવાબદાર તંત્ર યોગ્ય કાર્યવાહી નહીં કરે તો કાનૂની રાહે પણ અધિકારીઓ સામે લડત તેમજ બેદરકારી દાખવવા બદલ કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.