- રાજકોટમાં થેલેસેમિયા દર્દીઓને લોહી ચડાવવા માટે સિવિલ હોસ્પિટલમાં વિશેષ વ્યવસ્થા
- જરૂરિયાતમંદ દર્દીઓ અને તેમના પરિવારજનોને મોટી રાહત મળી
- શહેરમાં 500 થી 700 જેટલા થેલેસેમિયાથી પીડિત બાળકો
- કલેક્ટર રેમ્યા મોહને થેલેસિમિયા પીડિત બાળકો માટે લોહી ચડાવવાની વ્યવસ્થા કરવામા આવી
- રેમ્યા મોહનના આ નિર્ણયથી બાળકોના વાલીઓમાં આનંદ
રાજકોટ: થેલેસેમિયા પીડિત દર્દીને નિયમિત સમયાંતરે લોહી ચડાવવું પડતું હોય છે. પ્રવર્તમાન સમયમાં કોવિડ-19 મહામારીના પગલે સંક્રમણના ભયના કારણે થેલેસેમિયા પીડીત દર્દીઓને લોહી ચડાવવાની સારવાર આપવાની સવલત અનેક સેવાકીય હોસ્પિટલ દ્વારા બંધ કરવામાં આવી હતી. જેના લીધે અનેક દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડતી હતી. પરંતુ આ સારવાર સામાન્ય લોકોને આર્થિક રીતે પરવડે તેમ ન હોવાથી, કલેક્ટર રેમ્યા મોહનની સૂચનાથી રાજકોટ જિલ્લાના થેલેસેમિયા પીડિત દર્દીઓને લોહી ચડાવવા માટે સિવિલ હોસ્પિટલમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આમ, અનેક જરૂરિયાતમંદ દર્દીઓ અને તેમના પરિવારજનોને મોટી રાહત મળી છે.
શહેરની માતૃમંદિર કોલેજમાં સહાયક અધ્યાપક તરીકે ફરજ બજાવતા અને વિવેકાનંદ યુથ ક્લબના સભ્ય ડૉ. રવિ ધાનાણી પોતે થેલેસેમિયા મેજર પેશન્ટ છે. તેઓ કહે છે કે, રાજકોટમાં જિલ્લામાં 500 થી 700 જેટલા થેલેસેમિયાથી પીડિત બાળકો છે. આ બાળકોને મહિનામાં બે-ત્રણ વાર લોહી ચડાવવું પડતું હોય છે. ત્યારે કોરોના મહામારીમાં સંક્રમણના ભય લીધે અનેક ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોમાં લોહી ચડાવવાની સારવાર બંધ કરવામાં આવી હતી. જેથી ગરીબ-મધ્યમ વર્ગના પરિવારને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પરવડતી નહી. આ સ્થિતિમાં કલેક્ટર રેમ્યા મોહનને થેલેસિમિયા પીડિત બાળકો માટે સંવેદના દાખવી સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થા કરવા રજૂઆત કરવામાં આવી હતી. જેને આધીન જિલ્લાના તમામ થેલેસિમયાથી પીડિત બાળકો માટે લોહી ચડાવવાની વ્યવસ્થા કરવામા આવી છે. કલેક્ટર રેમ્યા મોહનના આ નિર્ણયથી બાળકોના વાલીઓમાં આનંદ વ્યાપી ગયો છે.
આ અંગે બાળરોગ નિષ્ણાંત ડૉ. મયુર કહે છે કે, સિવિલ હોસ્પિટલમાં દરરોજ થેલેસેમિયા પીડિત 20 થી 30 બાળકોને લોહી ચડાવવામાં આવે છે. બ્લડ ટ્રાન્સફ્યુઝનમાં 4 થી 5 કલાક જેટલો સમય લાગે છે. આ દરમિયાન સામાન્ય રીતે કોઈ તકલીફ તો પડતી નથી. તેમ છતાં આ પ્રક્રિયા દરમિયાન બાળકોની સતત દેખરેખ રાખવામાં આવે છે.
થેલેસેમિયાના દર્દી જાનકી વાઘેલા કહે છે કે, હું અને મારો ભાઈ બન્ને નિયમિત રીતે લોહી ચડાવવાની સારવાર મેળવી છીએ. અહીંયા ડોક્ટર્સ અને નર્સ એક વાલીની જેમ અમારી કાળજી રાખે છે. સારવાર દરમિયાન કોઈ જરૂરિયાત કે, તકલીફ હોય તો ત્વરિત નિરાકરણ લાવે છે. તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી.