- રાજકોટ ક્રાઇમબ્રાન્ચને વધુ એક સફળતા મળી
- ઈસમ સસ્તા અનાજની દુકાનોમાંથી ચોખા માર્કેટયાર્ડમાં બારોબાર વેચી નાખતો હતો
રાજકોટ: શહેરમાં રવિ ધોળકિયા નામનો ઈસમ સરકારી અનાજની દુકાનમાંથી બારોબાર માર્કેટયાર્ડમાં વેચી નાખતો હોવાનું કૌભાંડ ક્રાઇમબ્રાન્ચે ઝડપી પાડ્યું છે. આ ઇસમે જણાવ્યું હતું કે તેણે રામનાથપરા શેરી નંબર 1 હાથીખાના પાસે આવેલા બદરૂદીન વિરાણીના પંડિત દિન દયાળ સસ્તા અનાજની દુકાન ખાતેથી ચોખા ભર્યા હતા. જે ચોખા સરકારી બાચકામાં હોય તેને કાઢીને સફેદ કલરના બાચકામાં જાહિદ વિરાણી નામના ઇસમે ભરી આપ્યા હતા. ત્યારબાદ આ ચોખાને દીનેશ નીચાની નામના ઈસમની બોલેરો કારમાં ચોખા ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે લઈ જવાનું કહેવામાં આવ્યું હતું.
ઝડપાયેલો ઈસમ બે માસથી ચલાવતો હતો બોલેરો
સરકારી અનાજની દુકાનનો માલ બરોબર વહેંચવાના કૌભાંડ ઝડપાયેલો રવિ જવાભાઈ ધોળકિયા નામનો ઈસમ છેલ્લા બે માસથી દિનેશ નીચાણી નામના માલિકની વાન ચલાવતો હતો. ક્રાઇમબ્રાન્ચે આ જ પિકઅપ વાનમાં સરકારી સસ્તા અનાજના દુકાનમાંથી બારોબાર અનાજ વહેંચાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. આ માલ ગોંડલ પહોંચે તે પહેલાં જ ક્રાઇમબ્રાન્ચે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
સસ્તા અનાજની દુકાનના 2350 કિ.ગ્રા ચોખા કબ્જે કરાયા
રાજકોટ ક્રાઇમબ્રાન્ચ દ્વારા સસ્તા અનાજની દુકાનના 2350 કિલોગ્રામ ચોખાના 47 જેટલા બાચકા ઝડપી પાડવામાં આવ્યા છે. જેની કિંમત રૂ. 94,000 જેટલી છે. જ્યારે ક્રાઇમબ્રાન્ચે બોલેરો પિકઅપ વાન પણ કબ્જે કરી છે. આમ આ ગુન્હામાં કુલ રૂ. 2,94000નો મુદ્દામાલ સાથે ક્રાઇમબ્રાન્ચે બોલેરો પિકઅપના ડ્રાઇવરને ઝડપી પાડ્યો છે. તેમજ આ ગુનામાં સામેલ અન્ય ઇસમોની પણ પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે.
આર્થિક લાભ મેળવવા માટે આચરતા હતા કૌભાંડ
સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકોને રાહત દરે અનાજ મળી રહે તે માટે ઠેર ઠેર સસ્તા અનાજની દુકાનો શરૂ કરવામાં આવી છે, પરંતુ કેટલાક ઈસમો દ્વારા આર્થિક રીતે વધુ લાભ લેવા માટે જે જરૂરિયાતમંદ લોકોના હકની વસ્તુ પણ બરોબર વહેંચી નાખે છે. આવી જ ઘટના રાજકોટમાં જોવા મળી છે. ક્રાઇમબ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે સરકારી અનાજનો જથ્થો ઈસમો દ્વારા આર્થિક લાભ મેળવવા માટે બરોબર વહેંચવામાં આવતો હતો.
જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા કરાશે કાર્યવાહી
ક્રાઇમબ્રાન્ચ દ્વારા સરકારી અનાજના જથ્થાને હાલ જિલ્લા પુરવઠા નિગમ જે રેલવે સ્ટેશનની સામેની સાઈડમાં આવ્યું છે ત્યાં જમા કરવામાં આવ્યો છે. ત્યારબાદ જિલ્લા પુરવઠા અધિકારીને પણ આ મામલે જાણ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ કૌભાંડમા ક્રાઇમબ્રાન્ચે ગુનો દાખલ કર્યા બાદ હવેની આ મામલાની આગળની કાર્યવાહી જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા કરવામાં આવશે.