રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક બાદ એક વિવાદ સામે આવી રહ્યા છે. એવામાં ફરી એક વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદમાં આવી છે. ત્યારે આ વખતે યુનિવર્સિટી દ્વારા ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓ માટે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં હોસ્ટેલમાં ટૂંકા વસ્ત્રો પહેરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યારે ગર્લ્સ હોસ્ટેલમાં મર્યાદામાં કપડાં પહેરવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે જ 28 જેટલી અલગ અલગ સૂચનાઓનું ગર્લ્સ હોસ્ટેલમાં કડક રીતે પાલન કરવાની પણ વાત કરવામાં આવી છે.
કુલપતિનું નિવેદન : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ટૂંકા વસ્ત્રો મામલે યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડો. ગીરીશ ભીમાણીએ મીડિયા સાથેની વાતચીતમાં કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં મંદિરોમાં પણ આ વ્યવસ્થા રહેલી છે. જેમાં આપણે માત્ર ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓ ભોજન લેવા જાય ત્યારે મર્યાદામાં કપડાં પહેરે કારણ કે ભોજન બનાવવા માટે માત્ર મહિલાઓ હોતી નથી, અહીંયા પુરુષો પણ કામ કરતા હોય છે. આ સાથે જ પ્રાર્થના કરીએ ત્યારે પણ પૂર્ણ વસ્ત્ર પહેરવા જોઈએ તેવી અગાઉ પણ મંદિરોની પ્રથા રહી છે જે આપણે રાખી છે.
આ નિર્ણયો અગાઉ પણ હતા જ પરંતુ હાલ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે દેશભરની અલગ અલગ ગર્લ્સ હોસ્ટેલમાં આ પ્રકારના નિયમો હોય છે. જેનો વિદ્યાર્થીનીઓ દ્વારા ચુસ્તપણે પાલન કરવામાં આવતું હોય છે. આગામી દિવસોમાં બોયઝ હોસ્ટેલના પણ રેકટરને બોલાવીને બોયઝ હોસ્ટેલમાં કયા પ્રકારના નિયમો છે તે જાહેર કરવામાં આવશે. -- ડો. ગિરીશ ભીમાણી (ઇન્ચાર્જ કુલપતિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી)
ગર્લ્સ હોસ્ટેલના નિયમ : ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં જ ગર્લ્સ હોસ્ટેલના શૈક્ષણિક વર્ષ 2023-24 ના નિયમો અંગેનો પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વિદ્યાર્થીનીઓને મર્યાદામાં કપડા પહેરવા માટેની સૂચના આપવામાં આવી છે. આ સિવાય ગર્લ્સ હોસ્ટેલની ફી સત્ર દીઠ 1000 રૂપિયા અને વીજળી ખર્ચ સત્ર દીઠ 500 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. તે સિવાય હોસ્ટેલમાં પૂર્ણ સમયના નિયમિત અભ્યાસક્રમમાં જોડાયેલી વિદ્યાર્થિનીઓને જ પ્રવેશ આપવામાં આવશે. જ્યારે કોઈ પણ વિદ્યાર્થિની ગર્લ્સ હોસ્ટેલમાં પોતાના કુટુંબી પરિચિત બહેનોને રેક્ટરની મંજૂરી સિવાય રાખી શકશે નહીં. ગર્લ્સ હોસ્ટેલમાં કોઈપણ વિદ્યાર્થિની ઇલેક્ટ્રિક સાધનોનો ઉપયોગ કરી શકશે નહીં. રાત્રે 8:30 વાગ્યાથી 9:00 વાગ્યા દરમિયાન હાજરી પુરાશે, જેમાં દરેક વિદ્યાર્થિનીને હાજર રહેવું ફરજિયાત રહેશે.