રાજકોટ: હાલ ગુજરાતમાં આર્થિક વ્યવસ્થાને સુધારવા માટે વેપારીઓને ધંધા શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે. ત્યારે રાજકોટમાં હવે સલૂન ચાલુ થયાં છે. પરંતુ આ સલૂનમાં આવતાં ગ્રાહકો અને કર્મચારીઓનું સ્વાસ્થ્ય જળવાઈ તે માટે સલૂનના સંચાલકો PPE કિટ પહેરીને સલૂનમાં કામ કરવાનું પસંદ કરી રહ્યાં છે. આ અંગે રાજકોટના અમીન માર્ગ પર આવેલ YK ક્રિયેશન સલૂનના સંચાલક યોગેશ વાજા સાથે ETV ભારતે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે લોન લઇને આત્મનિર્ભર બનો ત્યારે અમે પોતાના કસ્ટમરની અને કર્મચારીઓની સેફ્ટીને પ્રથમ ધ્યાનમાં રાખીને અમારું સલૂન ચાલુ કર્યું છે. જેમાં અમે પ્રથમ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે સલૂનમાં રાખવામાં આવેલી ખુરશીઓને દૂર રાખી છે અને ક્સ્ટરમરને પણ હાલ ફોન પર એપોઇન્ટમેન્ટ આપીને જ બોલાવી રહ્યાં છીએ. જેેથી સલૂનમાં ભીડ ન થાય.
આ સાથે જ સલૂનમાં સેનેટાઇઝર મશીન રાખવામાં આવ્યું છે, એટલે જ્યારે કોઈપણ ગ્રાહક આવે ત્યારે પ્રથમ તેને સેનેટાઇઝ કરવામાં આવે છે. ત્યારબાદ આ ગ્રાહકને પગમાં ડિસ્પોઝેબલ શૂઝ પહેરાવવામાં આવે છે અને એપોઇન્ટમેન્ટ પ્રમાણે સલૂનમાં એન્ટ્રી આપવામાં આવે છે. સલૂનની અંદર રહેલા તમામ સ્ટાફ પણ PPE કિટ પહેરીને સજ્જ હોય છે. સલૂનમાં ઉપયોગમાં લેવામાં આવતી તમામ વસ્તુઓને વારંવાર સેનેટાઇઝ કરવામાં આવે છે. આમ કોરોના વાઇરસનો ચેપ ફેલાવાની શક્યતાઓ ઘટાડવા દરેક પગલાં લેવાય છે. હાલ રાજકોટમાં મોટાભાગના સલૂનમાં આ સિસ્ટમ અમલી બની હોય તેવું જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાઇરસની સામે લડવા માટે હવે જાણે લોકો પણ સ્વયં આગળ આવ્યા હોય તેમ માસ્ક, સેનેટાઇઝર, સોશિયલ ડિસ્ટન્સ્ટનું ધ્યાન રાખતાં થયાં છે, એટલે કે માસ્ક અને સેનેટાઇઝર લોકોના જીવનનું એક અંગ બની ગયું છે.