રાજકોટ: સાગરથી સરીયું સુધીની રથયાત્રા ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણીએ તારીખ 25/09/90ના દિવસે સોમનાથથી અયોધ્યા સુધીનો પ્રારંભ કર્યો હતો. આજે રામ જન્મભૂમિ અયોધ્યામાં મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજનનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, ત્યારે અડવાણીજીએ કાઢેલી રામમંદિરના નિર્માણ માટેની રથયાત્રાના ભવ્ય ભૂતકાળની તસ્વીરો જોવા મળી છે.

ગોંડલમાં સોમનાથથી અયોધ્યા જતી રથયાત્રાનું આગમન થયું હતું. આ વેળા અડવાણીજીનું ભાજપના પાયાના પથ્થર ગણાતા સ્વ. ગોવિંદભાઈ દેસાઈ, રાજકોટના ચીમનભાઈ શુકલ તેમજ એ સમયના ભાજપ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિતના હોદેદારો, કાર્યકર્તાઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ગોંડલમાં અડવાણીજીની સભાનું પણ આયોજન થયું હોવાના અહેવાલો સામે આવ્યાં હતાં.


બીજી તરફ દેશભરમાં જયશ્રી રામના નારાઓ ગુંજી ઉઠ્યા હતા. આ સાથે જ ગ્રામ્ય વિસ્તારમાં પણ યુવકોમાં મંદિરની કારસેવામાં ભારે થનગનાટ જોવા મળ્યો હતો, ત્યારે એ સમયે ગોંડલના દેરડી (કુંભાજી) ગામે કાર સેવામાં જતાં યુવકોની તસ્વીરો પણ આજે મંદિર નિર્માણના ભૂમિપૂજનને લઈને જોવા મળી રહી છે.
