રાજકોટ: બોલીવુડના જાણીતા ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષી રાજકોટની કોર્ટમાં હાજર થયા હતા. જ્યારે રાજકોટના એક ફરિયાદી દ્વારા તેમના પર ચેક રિટર્ન મામલે કોર્ટમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કેસ ચાલી જતા રાજકુમાર સંતોષીને કોર્ટ દ્વારા બે અલગ અલગ ચેક રિટર્ન કેસમાં એક એક વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. જ્યારે આ મામલે ફરિયાદીને સંતોષ ન થતા તેને સજા વધારવા માટેની અપીલ કોર્ટમાં કરી હતી.
ચૂકાદો બાકીઃ જેની સુનાવણી હોય તે માટે આજે બોલીવુડના જાણીતા ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષી રાજકોટ કોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યારે કોર્ટમાં આ મામલે બંને પક્ષના વકીલો વચ્ચે દલીલો થઈ હતી. હવે આ કેસની આગામી સુનાવણી 17 મેના રોજ હાથ ધરવામાં આવશે. જોકે, આ કેસ અંગે તેમણે કોઈ પ્રકારની વાત કહી નથી. કોઈ પ્રકારના નિવેદન પણ આપેલા નથી.
અપીલ કરવામાં આવી: બોલીવુડ ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષી અને રાજકોટના જાણીતા બિલ્ડર એવા અનિલ જેઠાણી વચ્ચે નાણાકીય લેતી દેતી હતી. જે દરમિયાન રૂપિયા 22 લાખથી વધુની રકમના બે ચેક રાજકુમાર સંતોષીએ બિલ્ડરને આપ્યા હતા. જે બેંકમાંથી રિટર્ન થયા હતા. આ મામલે વર્ષ 2016માં બિલ્ડર દ્વારા કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ મામલે રાજકુમાર સંતોષીના બન્ને ચેક રિટન કેસમાં કોર્ટ દ્વારા એક એક વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. જે સજા ઓછી હોવાનું બિલ્ડરને લાગતા તેમના દ્વારા કોર્ટમાં સજા વધારવા માટેની અપીલ કરવામાં આવી હતી. જે અપીલની સુનવણીને કારણે રાજકુમાર સંતોષી રાજકોટ કોર્ટમાં હાજર રહ્યા હતા.
આ પણ વાંચો Rajkot News : રાજકોટ મનપા અને રેલવે તંત્ર મળીને બનાવશે અન્ડર બ્રિજ, આવો હશે બ્રિજ
સજા મામલે અપીલ: રાજકુમાર સંતોષીએ સજા મામલે ઉપલી કોર્ટમાં અપીલ કરી હતી. જ્યારે તેની પણ સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે રાજકુમાર સંતોષીએ 'દામિની', 'ઘાયલ', 'ઘાતક' સહિતની ફિલ્મોનું નિર્માણ કર્યું છે. જ્યારે આ ફિલ્મો પણ બોલીવુડમાં સુપરહિટ રહી છે. એવામાં રાજકુમાર સંતોષી ચેક રિટર્ન કેસના મામલે રાજકોટ કોર્ટમાં આજે હાજરી આપવા આવતા તે ચર્ચાનો વિષય બન્યો હતો.