રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે યોજાઇ હતી. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આજે અંદાજિત રૂ.48 કરોડથી વધુના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી છે. આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ 63 જેટલી દરખાસ્તો આવી હતી. તેમાંથી બે દરખાસ્તોને નામંજૂર કરવામાં આવી છે. આ સાથે જ મનપા કમિશનર દ્વારા સ્વિમિંગ પૂલ એથલેટિક ટ્રેક સહિતના સભ્યોની ફીમાં વધારો સૂચવવામાં આવ્યો હતો. તેમજ પ્રદ્યુમન પાર્ક ઝુ અને રામવનની ટિકિટના દરોમાં પણ ભાવ વધારો સૂચવવામાં આવ્યો હતો. જેને સ્ટેન્ડિંગ કમિટીએ દ્વારા નામંજૂર કરવામાં આવ્યો છે.
48 કરોડના કામ મંજૂર : આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં અલગ અલગ રૂ. 48 કરોડથી વધુના વિકાસના કામોને બહાલી આપવામાં આવી છે. જ્યારે આજની બેઠકમાં કુલ 63 જેટલી દરખાસ્ત હતી. જેમાંથી બે દરખાસ્તોને નામંજૂર કરાઇ છે.
બે દરખાસ્તો નામંજૂર : શહેરના વોર્ડ નંબર 5માં સ્કૂલ બનાવવાનું જે કામ હતું તેમાં 30 ટકા વધુ ભાવ આવ્યો હતો. જેને મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં પેન્ડિંગ રાખવામાં આવી છે. આ સાથે જ દરખાસ્ત નંબર 61 જેમાં શહેરના મવડી વિસ્તારમાં પેટ્રોલ પંપ બનાવવા માટે કંપનીને જગ્યા ફાળવવાની હતી પરંતુ તેમાં જમીનના ભાવ ખૂબ જ નીચો આવતો હોવાના કારણે આ દરખાસ્તને પણ પેન્ડિંગ રાખવામાં આવી છે.
ઝુ અને રામવનની ટિકિટના ભાવ યથાવત : આ સાથે જ જયમીન ઠાકરે વધુમાં જણાવ્યું હતું કે રાજકોટ મનપા સંચાલિત એથલેન્ટિક ટ્રેક સ્વિમિંગ પૂલ સહિતના સભ્યોની ફી મામલે એક પણ રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો નથી. રામવનની અંદર જે અગાઉ ટીકીટના દર રૂ.10 રાખવામાં આવ્યા હતા તે જ ભાવ રાખવામાં આવ્યો છે. તેમજ દિવ્યાંગોને રામવનમાં નિશુલ્ક એન્ટ્રી છે. આ સાથે જ એથલેન્ટિક ટ્રેક અને સ્વિમિંગ પૂલમાં નેશનલ તેમજ ઇન્ટરનેશનલ ખેલાડીઓને પણ નિશુલ્ક એન્ટ્રી આપવામાં આવે છે. જ્યારે પ્રદ્યુમન પાર્ક ઝુમાં પણ ટિકિટો માટેના જુના જે ભાવ હતા તે જ યથાવત રાખવામાં આવ્યા છે. તેમાં પણ એક પણ રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો નથી. વિદેશથી ફરવા આવતા લોકો માટે પ્રદ્યુમન પાર્કના ટિકિટના દર રૂપિયા 50 હતા તેને 100 કરવામાં આવ્યા છે.