રાજકોટ: ચોરીના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં ફરીવાર ચોરીની બીજી ઘટના સામે આવી છે. જેમાં મહિલાએ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. રાજકોટના ભક્તિનગર વિસ્તાર હેઠળ આવતા કોઠારીયામાં રહેતા ભવદીપ રવાણી નામના કારખાનેદારના ઘરમાં રૂપિયા 30,000ની ચોરી થઈ હતી. જોકે આ ચોરી કરનાર કોઈ બીજું નહીં પણ એના જ ઘરમાં કામ કરતી કામવાળી હતી.
છુપા કેમેરામાં કામવાળી કેદઃ પોલીસ રીપોર્ટ અનુસાર તેમના ઘરમાં કામ કરનાર જયશ્રીબેન કિશોરભાઈ ગોહિલ નામની મહિલાએ જ ચોરી કરી હોવાની શંકા હતી. જ્યારે આ મહિલાએ ઘરમાં રહેલા સીસીટીવી કેમેરા બંધ કર્યા હતા. ત્યારબાદ જ ઘરમાંથી રોકડ રૂપિયાની ચોરી થઈ હતી. જ્યારે આ મહિલા સીસીટીવી બંધ કરતી હોય તે ઘટના ઘરના જ એક છુપા કેમેરામાં કેમેરામાં કેદ થઈ હતી. જેના આધારે ભક્તિનગર પોલીસ દ્વારા આ ઘરકામ કરતી મહિલાની અટકાયત કરાઈ હતી. હવે તેની વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
સીસીટીવી કેમેરા બંધ કર્યા: સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો શહેરના કોઠારીયા કોલોની ક્વોટર્સમાં રહેતા ભવદીપ ભાઈ રવાણીએ શહેરના ભક્તિનગર પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. જ્યારે આ ફરિયાદમાં તેમને જણાવ્યું હતું કે, ગત તારીખ 20ના રોજ તેઓ પોતાની દુકાને ગયા હતા. તેમના માતા-પિતા લગ્ન પ્રસંગમાં ગયા હતા. તે દરમિયાન તેમના ઘરમાં લગાવામાં આવેલા સીસીટીવી કેમેરા અચાનક બંધ થઈ ગયા હતા. જેના કારણે તેમને આ અંગેની જાણ થતા તેઓ તાત્કાલિક પોતાના ઘરે દોડી આવ્યા હતા.
રોકડની ચોરી થઈઃ ઘરમાં ચેક કરતા તેમના માતા-પિતાના રૂમમાં પડેલા રૂપિયા 30,000 રોકડાની કોઈએ ચોરી કરી હતી. ત્યારબાદ સીસીટીવી કેમેરા ચેક કરતા તેમાં જોવા મળ્યું કે તેમના ઘરે ઘરકામ કરતી મહિલા એવી જયશ્રી ગોહિલ છેલ્લે આ ઘરના સીસીટીવી બંધ કરતી હતી. બાદમાં આ ચોરીની ઘટના બની હતી. જેને લઇને આ મામલે પોલીસ દ્વારા જયશ્રી ગોહિલ નામની મહિલાની અટકાયત કરવામાં આવી હતી.
"આ મામલાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને ફરિયાદના આધારે સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા. જેમાં ઘરકામ કરતી મહિલા સીસીટીવી કેમેરા બંધ કરતી જોવા મળી હતી. જેના આધારે પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી છે. હાલમાં આ મહિલાની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે" --મયુર ધ્વજસિંહ સરવૈયા (ભક્તિનગરના પીઆઇ)
ક્યાંય દેખાતું નથી: મયુર ધ્વજસિંહ સરવૈયા ભક્તિનગરના પીઆઇએ વધુ માહિતી આપી હતી. જેમાં જોકે જે સીસીટીવી સામે આવ્યા છે. તેમાં આ મહિલા ચોરી કરી રહી હોય તેવું ક્યાંય દેખાતું નથી. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં આ અગાઉ પણ ઘરકામ કરતી એક મહિલા દ્વારા ચોરી કરવાની ઘટના સામે આવી હતી. ત્યારબાદ શહેરના કોઠારીયા વિસ્તારમાં આ પ્રકારની બીજી ઘટના સામે આવી છે. જેને લઈને ચકચાર મચી જવા પામી છે.