રાજકોટ : ઉપલેટા નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ચાલતી પરીક્ષાની અંદર ડમી વિદ્યાર્થી યુવક દ્વારા પરીક્ષા આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ ડમી વિદ્યાર્થી પરીક્ષા આપે તે પહેલા જ પરીક્ષા ખંડમાંથી જ ચકાસણી દરમિયાન અને શંકાના આધારે કોલેજ સ્ટાફ દ્વારા ડમી વિદ્યાર્થી યુવકને ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ ડમી વિદ્યાર્થીની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
શું છે સમગ્ર મામલો : આ અંગે કોલેજના આચાર્ય ડો. વલ્લભ નંદાણીયા એ જણાવ્યું છે કે, હાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શરૂ કરવામાં આવેલી પરીક્ષાઓની અંદર બેચલર ઓફ કોમર્સ સેમેસ્ટર 6ની ઓલ્ડ કોર્સની પરીક્ષા શરૂ થઈ છે. આ પરીક્ષાની અંદર પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ પોતાની પરીક્ષા આપવા માટે આવેલા હતા, ત્યારે તેમની રીસીપ્ટ આઈ કાર્ડ સહિતની ચકાસણીઓ કરવામાં આવતી હોય છે. આ ચકાસણી દરમિયાન એક ડમી વિદ્યાર્થી ઝડપાયો હોવાનું સામે આવતા કોલેજ દ્વારા આ ડમી વિદ્યાર્થીને ઝડપી લઇને સમગ્ર બાબતનો રિપોર્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
છોકરીની જગ્યાએ છોકરો : કોલેજના આચાર્ય દ્વારા આ અંગેની વધુમાં જણાવ્યું હતું કે, કોલેજની અંદર પરીક્ષા ખંડમાં એક વિદ્યાર્થી યુવક શંકાસ્પદ દેખાયો હતો. આ શંકાસ્પદ યુવકની તપાસ કરતા અને તેમની પાસે રહેલી પરીક્ષાની રીસીપ સહિતની બાબતો તપાસ કરતાં માલુમ પડ્યું હતું કે, આ જગ્યા પર પાથલીયા ભૂમિકા ધીરૂભાઈ નામની વિદ્યાર્થીની યુવતીનો નંબર આવેલો છે. તેમની જગ્યા ઉપર કરણકુમાર રામભાઈ જોગ નામનો વિદ્યાર્થી પરીક્ષા આપવા બેઠેલો હતો.
ખોટી રીસીપ : આ અંગેની તપાસમાં ખોટી રીસીપ બનાવી હોવાનું જાણવા મળતા સમગ્ર બાબતે કોલેજના આચાર્ય ડો. વલ્લભ નંદાણીયા તેમજ સ્ટાફ દ્વારા તેમની અટકાયત કરવામાં આવેલી હતી. બાદમાં તેમના દ્વારા યુનિવર્સિટીમાંથી રીસીપ્ટ તેમજ વ્યક્તિની ખરાઈ કરી ત્યારે માલૂમ પડ્યું કે આ ડમી વિદ્યાર્થી હોવાનું સામે આવ્યું હતું. આ અંગે આચાર્ય ડો વલ્લભભાઈ નંદાણીયા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી અને સમગ્ર બાબતનો રિપોર્ટ યુનિવર્સિટી ખાતે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : GPSSB Junior Clerk Exam: 9 એપ્રિલે જુનિયર ક્લાર્કની પરીક્ષા, ઉમેદવારોને સમયસર કેન્દ્ર સુધી પહોંચાડવા ખાસ વ્યવસ્થા
વિદ્યાર્થીનીનો નુસખો ફેલ : જે રીતે વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષાની અંદર છબરડા કરવા માટે અનેક નુસખાઓ અપનાવતા હોય છે, પરંતુ રાજકોટના ઉપલેટાની મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની અંદર પ્રથમ વખત એવો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં આ પ્રકારનો ડમી વિદ્યાર્થી ઝડપાયો છે. આ સાથે જ નવીન વાત એ સામે આવી છે કે એક વિદ્યાર્થીની યુવતીની જગ્યા પર એક વિદ્યાર્થી યુવક પરીક્ષા આપવા આવ્યો હતો. જેમાં તેમની ચતુરાઈ અને નુસખો કામ કરે તે પહેલા જ કોલેજ દ્વારા તેમને ઝડપી લઇ અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : Junior Clerk Exam : એસટી બસમાં વિદ્યાર્થીઓને જુનિયર કલાર્કની પરીક્ષા આપવા જવું સરળ
નજર ચૂકાવી નાસી ગયો : આ સાથે જ ઝડપાયેલો વિદ્યાર્થી યુવક ઝડપાયા બાદ નજર ચૂકાવી નાસી ગયેલો હોવાનું કોલેજ સ્ટાફ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ બનાવમાં હાલ આ બાબતનો રિપોર્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કરી ડમી વિદ્યાર્થી સામે આગળની કાર્યવાહી યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવશે તેવું કોલેજના આચાર્ય ડો. વલ્લભ નંદાણીયાનું કહેવું છે.