રાજકોટ : હવામાન વિભાગની આગાહીને લઈને રાજકોટના ગોંડલ શહેરમાં અસહ્ય બફારા બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. તાલુકાના વોરા કોટડા, બાંદરા, દેવચડી ગામ સહિતના પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. તાલુકાના બાંદરા ગામે એક કલાકમાં સાંબેલાધાર 5 ઇંચ વરસાદથી ખેતરોમાં જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ધોધમાર વરસાદના કારણે ખેતરોના પાળા તૂટ્યા હતા. તો બીજી તરફ લોકોમાં સારા વરસાદથી ખુશીનો માહોલ છે.
વગર વરસાદે પુર : રાજકોટના ગોંડલ તાલુકાના દેરડી (કુંભાજી) ગામે વગર વરસાદે નદીમાં ભારે પુર આવ્યું હતુ. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે દેરડી(કુંભાજી) ગામની કોલપરી નદીમાં ભારે પુર આવ્યું હતું. અમરેલી જિલ્લાના બાદલપુર, સનાળા સહિતના ગામોમાં પડેલા વરસાદને લઈને નદીમાં પુર આવ્યું હતું. અહિયાં વરસાદ વગર કોલપરી નદીમાં પુર આવતા ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો અને પૂર જોવા લોકો ઉમટ્યા હતા.
નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા : રાજકોટના જેતપુર ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેતપુર તાલુકાના ખીરસરા, ખજૂરી ગુંદાળા, વાડસડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. સવારથી અસહ્ય ગરમી અને બફારા બાદ ધોધમાર વરસાદ વરસયો હતો તેમજ ધોરાજીમાં પણ બપોર બાદ વરસાદ પડતાં જેતપુર રોડ, જુનાગઢ રોડ, જમનાવડ રોડ, સ્ટેશન રોડ, મેઈન બજાર ચોક સહિત અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
પ્રિ-મોન્સુનની કામગીરી માત્ર કાગળ પર : રાજકોટના જેતપુર શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. બે દિવસના વિરામ બાદ શહેરમાં બે કલાકમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. જેમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ સાથે જેતપુર, ધોરાજી પંથકમાં પણ વરસાદ નોંધાયો છે. જેમાં જેતપુર શહેરના ટાકુડી પરા, બાપુની વાડી, બોખલા દરવાજા, વડલી ચોક સહિતનાં નીચાણ વાળા વિસ્તારમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. તાકુડીપરા વિસ્તારમાં દુકાનો તેમજ ઘરોમાં પાણી ફરી વળ્યા હતા. સ્થાનિક રહેવાસીઓએ પાલિકાના તંત્ર ઉપર રોષ વ્યક્ત કર્યો હતો, જ્યારે ધોરાજીમાં પણ પ્રિ-મોન્સુનની કામગીરી માત્ર કાગળ પર થઈ હોય તેના કારણે પાણી ભરાય હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.