રાજકોટ : રાજકોટ શહેરમાં ટ્રાફિકની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. જેને લઈને રાજકોટ પોલીસ દ્વારા આજથી પાંચ મહિના અગાઉ ખાનગી બસોને 150 ફૂટ રીંગ રોડ ઉપર સવારે 9 થી રાત્રીના 9 વાગ્યા સુધી પ્રવેશબંધીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેનો હવે અમલ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ મામલે ખાનગી બસના સંચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમજ આ મામલે ખાનગી બસ સંચાલકો હવે રાજકોટ પોલીસ કમિશનરને મળીને ગૃહપ્રધાન હર્ષ સંઘવી સુધી રજૂઆત કરવાના મૂડમાં જોવા મળી રહ્યા છે.
વહીવટી તંત્રનો નિર્ણય : દિવસ દરમિયાન રાજકોટ શહેરમાં ખાનગી બસને પ્રવેશબંધી મામલે રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેરની ટ્રાફિક સમસ્યા પહોંચી વળવા માટે પોલીસ દ્વારા અમુક નિર્ણયો લેવામાં આવ્યા છે. રાજકોટની ગોંડલ ચોકડી ખાતે બ્રિજ બન્યા બાદ ખાનગી બસો 150 ફૂટ રીંગ રોડ પર આવી જાય છે. જ્યારે આ બસોના પ્રવેશબંધી માટે 5 મહિના અગાઉ જ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જેનો હવે પોલીસ દ્વારા અમલ કરાવવામાં આવી રહ્યો છે.
ખાનગી બસો દ્વારા 150 ફૂટ રીંગ રોડ ઉપર ગમે ત્યાં પાર્કિંગ કરવામાં આવે છે. જેને લઇને ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. ત્યારે હવે સવારે 9 થી રાત્રીના 9 સુધી 150 ફૂટ રીંગ રોડ ઉપર ખાનગી બસોને પ્રવેશબંધી રાખવામાં આવનાર છે. જાહેરનામાનો અમલ કરાવવા પોલીસ કટિબદ્ધ છે. -- રાજુ ભાર્ગવ (રાજકોટ પોલીસ કમિશનર)
ખાનગી બસને પ્રવેશબંધી : રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે વધુમાં જણાવ્યું કે, ખાનગી બસોને 150 ફૂટ રીંગ રોડ ઉપર ક્યાંય પણ પ્રવેશબંધી અને પાર્કિંગની મનાઈ ફરવામાં આવી છે. ખાનગી બસો દ્વારા 150 ફૂટ રીંગ રોડ ઉપર ગમે ત્યાં પાર્કિંગ કરવામાં આવે છે. જેને લઇને ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. ત્યારે હવે સવારે 9 થી રાત્રીના 9 સુધી 150 ફૂટ રીંગ રોડ ઉપર ખાનગી બસોને પ્રવેશબંધી રાખવામાં આવનાર છે.
છેલ્લા બે દિવસથી પોલીસ કમિશનર દ્વારા 150 ફૂટ રીંગ રોડ ઉપર ખાનગી બસોની પ્રવેશબંધીની સૂચના આપવામાં આવી છે. જેના કારણે હાલ પેસેન્જરને પણ બહાર ઉતારવા પડી રહ્યા છે. ટ્રાફિકની સમસ્યા માટે માત્ર ખાનગી બસોને જ ટાર્ગેટ કરવામાં આવી રહી છે. -- દશરથસિંહ વાળા (પ્રમુખ, ખાનગી ટ્રાવેલ્સ એસોસિએશન)
ખાનગી બસ સંચાલકોમાં રોષ : બીજી તરફ આ મામલે ખાનગી ટ્રાવેલ્સ એસોસિયેશનના પ્રમુખ દશરથસિંહ વાળાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પોલીસ કમિશનર દ્વારા આ મામલે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ ખાનગી બસોને 150 ફૂટ રીંગ રોડ ઉપર પ્રવેશવાની છૂટ આપવામાં આવી હતી. પરંતુ છેલ્લા બે દિવસથી પોલીસ કમિશનર દ્વારા મૌખિક રીતે ખાનગી બસોની પ્રવેશબંધીની સૂચના આપવામાં આવી છે. જેનો અમલ કરાવવામાં આવી રહ્યો છે.
તંત્ર પર આક્ષેપ : દશરથસિંહ વાળાએ વધુમાં જણાવ્યું કે, રાજકોટ શહેરમાં ખાનગી બસોને પ્રવેશ અગાઉથી જ આપવામાં આવતો નથી, પરંતુ 150 ફૂટ રીંગ રોડ ઉપર પ્રવેશ આપવામાં આવતો હતો જે હવે સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે હાલ પેસેન્જરને પણ બહાર ઉતારવા પડી રહ્યા છે. દિવસ દરમિયાન માત્ર 20 થી 25 જ ખાનગી બસો 150 ફૂટ રીંગ રોડ ઉપર આવે છે. આ સિવાયની બસો બાયપાસ જતી રહેતી હોય છે. જ્યારે ટ્રાફિકની સમસ્યા માટે માત્ર ખાનગી બસોને જ ટાર્ગેટ કરવામાં આવી રહી છે.